ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામી ગયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 162 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજકોટના લોધીકા તાલુકામાં સૌથી વધુ 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ગીરસોમનાથના વેરાવળ તાલુકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વંથલી અને માણાવદરમાં 4.5 ઈંચ વરસાદ અને માળીયાહાટીના તાલુકામાં 4.1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 55 તાલુકાઓમાં 1 થી 4 ઈંચ વરસાદ વરસ્યો છે.
32 જિલ્લાના 162 તાલુકામાં મેઘ મહેર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લામાં વરસાદ નોંધાયો છે, 162 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. સૌરાષ્ટના કેટલાય વિસ્તારોમાં સાંજ પછી વરસાદી માહોલ જામ્યો અને જામનગરના કાલાવડ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. તો પોરબંદરના સુદામા ચોક, ખાદી ભવન, એમ.જી રોડ, સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધીમાં 138 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ લોધીકામાં સવા 5 ઈંચ વરસાદ ખાબક્યો, પાટણ-વેરાવળમાં 4.5 ઈંચ, ભાભરમાં 4 ઈંચ, લાઠીમાં 3.5 ઈંચ, ધોરાજીમાં 3.5 ઈંચ, મહેમદાવાદમાં 3 ઈંચ, બગસરામાં પોણા 3 ઈંચ, નખત્રાણામાં 2.5 ઈંચ, માતરમાં સવા 2 ઈંચ, જામ કંડોરણામાં સવા 2 ઈંચ વરસાદ નોંધાયો. ઉલ્લેખનીય છે કે આગામી 7 દિવસ માટે વરસાદની હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જે અનુસાર રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. ત્યારે આજે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવેલું છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology