bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

700 દુકાનો બંધ રાખી જામનગરમાં વેપારીઓએ બંધ પાળ્યો, પાથરણાવાળા અડિંગો જમાવતા હોવાનો આરોપ  

 જામનગરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જામનગરમાં બર્ધન ચોક વેપારી એસોસિએશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને લઈ 700 જેટલી દુકાનો બંધ રાખી વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. વિગતો મુજબ કોર્ટ દ્વારા આ વિસ્તારમાં પાથરણાવાળાઓ પર પ્રતિબંધ લગાવાયો છે. આ તરફ પ્રતિબંધ છતાં વેપારીઓની દુકાનોની આગળ પાથરણાવાળાઓ અડિંગો જમાવતા હોવાના આરોપ સાથે વેપારીઓએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો છે.

 જામનગરના બર્ધન ચોક વેપારી એસોસિએશન દ્વારા અપાયેલ બંધને લઈ 700 જેટલી દુકાનો બંધ રહી હતી. જામનગરના દરબારગઢ, બર્ધન ચોક અને માંડવી ટાવર વિસ્તારના વેપારીઓએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો છે. વાસ્તવમાં કોર્ટ દ્વારા આ વિસ્તારમાં પાથરણાવાળાઓ પર પ્રતિબંધ લગાવાયો છે. કોર્ટ દ્વારા આ વિસ્તારને No Hawking Zone જાહેર કરાયો છે. જોકે અહીં આ અંગેની અમલવારી ન થતા વેપારીઓએ વિરોધ દર્શાવ્યો હતો.

વેપારીઓએ આજે 700 જેટલી દુકાનો બંધ રાખી મોટી સંખ્યામાં વેપારીઓ રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા. આ દરમિયાન વેપારીઓને હાથમાં જુદા જુદા પ્લેકાર્ડ દર્શાવી સૂત્રોચ્ચાર કર્યા અને જિલ્લા કલેકટરને આવેદન આપી રજુઆત કરી છે. જેમાં ફેરિયાઓ, પાથરણાવાળાઓ અડીંગો જમાવી દબાણો કરતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે.