રાજકોટ મહાપાલિકા (RMC)માં વોટરવર્ક્સ તથા સિટી ટ્રાન્સપોર્ટ વિભાગમાં સિટી એન્જિનિયર તરીકે પાંચ દિવસ પહેલા નિવૃત થયેલા અને અગાઉ અનેક વિવાદોમાં આવી ચૂકલા અલ્પના મિત્રા નિવૃત થઈને ઘર બેઠા 'વહીવટ ' કરી રહ્યાની બાતમી મ્યુનિ.કમિશનર ડી.પી.દેસાઈને મળતા તેમણે તાકીદે વિજીલન્સ અધિકારીઓની ટીમને આદેશ કરતા સોમવારે (5 ઓગસ્ટ) સાંજે મહિલા પોલીસના બંદોબસ્ત સાથે વિજીલન્સટીમે અલ્પના મિત્રાના બંગલામાં ત્રાટકીને બંગલામાંથી અને ત્યાં આવેલા મનપાના ઈજનેરો પાસેથી 50 ફાઈલો,રજીસ્ટરો કબજે કર્યા છે.અધિકારી સૂત્રો અનુસાર મનપાના ઈતિહાસમાં કોઈ ક્લાસ-1 અધિકારી નિવૃત થયા બાદ તેના ઘરે વિજીલન્સે તપાસ માટે ધસી જવું પડયું હોય તેવી પ્રથમ ઘટના છે.
આ અંગે મનપા સૂત્રોએ જણાવ્યા મૂજબ અલ્પના મિત્રાએ રાજીનામુ આપતા તે તાજેતરમાં મંજુર કરવામાં આવ્યું હતું અને ગત તા. 31 જૂલાઈએ તે નિવૃત થયા હતા. પરંતુ, તે પહેલા તેની સામે સાગરનગર આવાસમાં ગરબડ અંગેની ફરિયાદો હોય તે માટે તેને ચાર્જશીટ પણ અપાયું હતું. સોમવારે (05 ઓગસ્ટ) સાંજે કાલાવડ રોડ પર કોટેચા ચોક પાસે આવેલા અલ્પના મિત્રાના નિવાસસ્થાને વિજીલન્સ અધિકારી ભરત કાથરોટીયા સહિતના અધિકારીઓ બે મહિલા પોલીસ અધિકારી અને બે મહિલા કોન્સ્ટેબલને સાથે લઈને ત્રાટક્યા હતા અને પચાસેક ફાઈલો,રજીસ્ટરો કબજે કર્યા છે જે અંગે હવે કમિશનરના માર્ગદર્શનમાં ઉંડી તપાસ હાથ ધરવામાં આવશે. આ ફાઈલો ડ્રેનેજ અને વોટરવર્ક્સના મરમ્મતના લાખોની ચૂકવણીના બિલો સહિતની હતી.
મનપાની ટીમ ત્રાટકી ત્યારે મિત્રાના બંગલા પાસે વોટરવક્સ પ્રોજેક્ટના નાયબ કાર્યપાલક ઈજનેરો (1) કપિલ જોષી (2) દિવ્યેશ ત્રિવેદી (3) વી.એચ.ઉમટ (4) એચ.એમ.ખખ્ખર તથા ડ્રેનેજ પ્રોજેક્ટના (5) આસિ.એન્જિનિયર રાજેશ રાઠોડ, વોટરવર્ક્સના (6) અધિક મદદનીશ ઈજનેર અશ્વીન કણજારીયા (7) અ.મ.ઈ. હિરેનસિંહ જાડેજા (8) વો.વ.ના અ.મ.ઈજનેર દેવરાજ મોરી અને (9) વો.વ.ના વર્ક આસિ. અંકિત તળાવીયાએ મનપામાં ફરજ બજાવતા 9 ઈજનેરો પણ પોતાના વાહન સાથે આવેલા હતા અને તેમની પાસેથી પણ ફાઈલો કબજે કરાઈ છે.
નિવૃત થયા પછી પોતાના ખાતાના બાકી બિલોને મંજુરી સહિતના કામો બાકી હોય તો અધિકારીએ મનપાની ઓફિસમાં કામકાજના સમયે આવીને તે પૂરૂં કરવાનું હોય છે અને આ સાદી સમજ છે. પરંતુ, આ સમજ અલ્પના મિત્રાને ન હોય તેમ તેણે ઈજનેરોને ફાઈલો લઈને આજે સાંજે ઘરે બોલાવ્યા અને ઈજનેરો પણ નીતિ-નિયમોનો ભંગ કરીને સરકારી ફાઈલો જે કોઈના ઘરે ન લઈ જવાય તે લઈને નિવૃત અધિકારીના બંગલે પહોંચી ગયા હતા. આમ, બન્નેની પ્રથમ નજરે જ ગંભીર ક્ષતિ જણાય છે. ઉલ્લેખનીય છે કે વોટરવર્ક્સના પ્રોજેક્ટના સિટી ઈજનેર તરીકે મિત્રાનો ચાર્જ હાલ દેથરીયાને સોંપવામાં આવ્યો છે. અલ્પના મિત્રાએ અગાઉ ગાંધી મ્યુઝિયમથી માંડીને આવાસો, લાઈબ્રેરી સહિતના કામો કર્યા છે તેમાં ઓવર એસ્ટીમેટ પણ ઉંડી તપાસનો વિષય છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology