bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

વરસાદની તોફાની બેટિંગ, ઉમરપાડામાં 13 ઈંચ ખાબક્યો, 300 રોડ બંધ, જનજીવન અસ્ત-વ્યસ્ત...

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના અનરાધાર વરસાદને પગલે જનજીવન ઠપ થઈ ગયું છે. સુરતના ઉમરપાડામાં 24 કલાકમાં 13.15 ઇંચ, પલસાણામાં 9.25 ઈંચ, માંગરોળ અને બારડોલીમાં 9 ઈચ વરસાદને પગલે જિલ્લાના 132 જેટલા રસ્તા બંધ થઈ ગયા છે. કીમ-ગોથાણ વચ્ચે રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળતા ટ્રેન વ્યવહારને અસર થઈ છે. પલસાણા ચલથાણ ખાડીમાં એક તેમજ માંડવીમાં બે વ્યક્તિ તણાઈ ગયા છે. જેમાં બેના મૃતદેહ મળ્યા છે. નવસારીમાં ખેરગામમાં 9.9 ઈંચ અને નવસારી વાંસદામાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાપી જિલ્લામાં ડોસવાડા ડેમ છલકાઈ ગયો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 5000 જેટલા લોકોનું સ્થળાંતર કરાવાયું છે. પાંચ જિલ્લામાં 300 વધુ રસ્તા, કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે.

 

  • કેટલાક વિસ્તારોમાં ખાડીપૂર જેવી સ્થિતિ

સુરતમાં સતત ચોથા દિવસે વરસાદની બેટીંગને કારણે જનજીવન અસ્તવ્યસ્ત રહ્યું હતું. શહેરમાં 5.25 ઇંચ વરસાદ ખાબકતા વરસાદી પાણી ઓસરી રહ્યા નથી. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે સીમાડા ખાડી છલકાઈ જતા કેટલાક વિસ્તારોમાં ખાડીપૂર જેવી સ્થિતિ છે. શહેરમાં જ 900થી વધુ લોકોનું સ્થળાંતર કરાવાયું છે. શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યા નથી. પલસાણાના ચલથાણ ગામની ખાડીમાં તણાઈ જતા બાવન વષીય સંજય ભાઉરાવ પવારનું મોત નીપજ્યું છે. જ્યારે માંડવી તાલુકાના મોરણ ખાડી પર માછલી પકડવા ગયેલા જુના કાકરાપાર બંગલા ટોઇ ફળિયાના 42 વર્ષના પરેશ માધુભાઈ ચૌધરી અને 52 વર્ષના અજીત વંશીભાઈ ચૌધરી તણાઇ ગયા હતા.


 

  • મુંબઈ- દિલ્હી રેલવે વ્યવહાર ઠપ થઈ ગયો

પલસાણા, માંગરોળ તેમજ સુરત શહેરમાંથી ૩૦૦૦ હજારથી વધુ લોકોનું સ્થળાંતર અને રેસ્કયુ કરાયું છે. ભારે વરસાદના કારણે મહુવા, માંડવી, ઉમરપાડા, માંગરોળ, કામરેજમાં કાચા મકાનો તથા ઘરની દિવાલો પડી જવાના સાત બનાવો નોંધાયા હતા. સુરત જિલ્લાના 132 રસ્તાઓ બંધ થઈ જતા લોકોને આવાગમનમાં મુશ્કેલી પડી રહી છે. સુરતના ગોથાણ ગામે રેલવે સ્ટેશન નજીક ડાઈન મેઈન લાઈન પર નદીના પુલ ઉપર પાણી પહોંચી જતા બુધવારે (24 જુલાઈ) સવારે 10 વાગ્યે મુંબઈ- દિલ્હી મેઈન લાઈન પરની રેલવે વ્યવહાર ઠપ થઈ ગયો હતો. ભરુચ-વડોદરા વચ્ચે ટ્રેનો અટકી પડી હતી. અનેક ટ્રેનો ચાર કલાક સુધી લેઈટ ચાલી રહી છે. 

  • ખેરગામમાં પાણી ભરાતા જનજીવન ખોરવી નાંખ્યું

નવસારીના ખેરગામમાં 9.9 ઇંચ સહિત તાલુકાઓમાં 6.5 ઇંચ સુધીના વરસાદે નદીકિનારા અને નિચા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ખોરવી નાંખ્યું છે. લોકમાતા પૂર્ણા, અંબિકા, કાવેરી નદીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. ગણદેવીમાં બે મકાન તૂટી પડ્યા હતા. સ્કૂલ-કૉલેજમાં રજા આપી દેવામાં આવી હતી. જિલ્લામાં 30થી વધુ લોકોનું સ્થળાંતર કરાવાયું છે. 78 રસ્તા પાણી ભરાતા બંધ થઈ ગયા છે. તાપી જિલ્લામાં વ્યારા, ડોલવણ, સોનગઢમાં સાંબેલાધાર વરસાદને પગલે જિલ્મલાં 87થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે.