bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાતમાં વધુ એક કૌભાંડ, કન્યાઓને પ્રોત્સાહિત કરતી યોજનામાં 10 કરોડનો ભ્રષ્ટાચાર...  

ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ કન્યાઓ માટે ખરીદવામાં આવેલી સાયકલમાં 10 કરોડનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. રાજસ્થાન અને ગુજરાતમાં એક જ કંપનીએ સપ્લાય કરી હોવા છતાં ગુજરાતે સાયકલ દીઠ 500 રૂપિયા વધારે ચૂકવ્યા છે છતાં સરકાર તરફથી આ કેસમાં કોઈ તપાસ થઈ નથી કે કોઈ અધિકારી કે મંત્રી સામે કાર્યવાહી કરવામાં આવી નથી.
કન્યાઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરતી આ યોજનામાં કૌભાંડો ચાલી રહ્યાં છે. ભાજપ સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ધોરણ- 9માં અભ્યાસ કરતી કન્યાઓને ઘરથી શાળાએ જવા માટે સાયકલ આપવામાં આવે છે પરંતુ આ યોજનાનો હેતુ ભ્રષ્ટાચારને કારણે માર્યો ગયો છે. ગયા વર્ષે પણ ખરીદવામાં આવેલી સાયકલો ખુલ્લા ગોડાઉનોમાં પડી રહી હતી. 

સરસ્વતી સાધના યોજના હેઠળ 2023-24માં સરકારના આ વિભાગોએ 1.70 લાખ સાયકલો ખરીદવાનું નક્કી કર્યું હતું. જેની ખરીદી માટે રાજ્ય સરકારનું સાહસ ગુજરાત રૂરલ ઈન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન લી.(ગ્રીમ્કો)ને સત્તા આપવામાં આવી હતી. વર્ષોથી ખરીદવામાં આવતી સાયકલ સ્પેશિફિકેશન અને ઉત્તમ કન્ડીશનની છે કે નહીં તે માટે એસપીસી દ્વારા નક્કી કરવામાં આવે છે પરંતુ પહેલીવાર માનિતી કંપનીઓને ફાયદો કરાવવા સ્પેશિફિકેશન અને કન્ડીશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

વિપક્ષના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે વિરોધ, રજૂઆત અને ફરિયાદો થઈ છે છતાં મુખ્યમંત્રી કાર્યાલયના સીધા હસ્તક્ષેપના કારણે ખરીદીના સ્પેસિફિકેશન એસપીસીને બદલે સીધો વિભાગ નક્કી કરે છે કે જેથી માનિતી કંપનીઓને કોન્ટ્રાક્ટ મળી શકે. આ જ કારણથી રાજસ્થાનમાં જે કંપનીએ એક સાયકલનો ભાવ 3857 રૂપિયા રાખ્યો છે તે જ કંપનીએ ગુજરાતમાં એક સાયકલ 4444 રૂપિયે સપ્લાય કરી છે. આમ એક સાયકલદીઠ 500 રૂપિયા વધારે ચૂકવવામાં આવ્યા છે.

પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ કરી રહેલા સરકારી વિભાગો પર સરકારનો કોઈ કાબૂ રહ્યો નથી. રાજ્ય સરકારે 1.70 લાખ સાયકલો ખરીદી છે જેમાં પ્રતિ સાયકલ 500 લેખે કુલ 8.50 કરોડ રૂપિયા વધારે ચૂકવ્યા છે. મહત્વનું છે કે સાયકલની ખરીદી પ્રક્રિયા મેં 2023માં થવી જોઈતી હતી તેના બદલે આખી પ્રક્રિયામાં 10 મહિનાનો વિલંબ થયો છે. નવા શૈક્ષણિક વર્ષ એપ્રિલ 2024માં વર્કઓર્ડર અપાય છે અને ડિલીવરી થાય છે. આ સાયકલ ગ્રીમકોના વેરહાઉસમાં પહોંચ્યા પછી સ્પેસિફિકેશન પ્રમાણે ગુણવત્તાની ચકાસણી કરવામાં ઇલેક્ટ્રોનિક ક્વોલિટી ડેવલપમેન્ટ સેન્ટર (EQDC) દ્વારા તપાસ થાય છે અને તેમાં ગુણવત્તા જોવા મળી નથી. એટલે કે સ્પેસિફિકેશનથી વિરૂદ્ધની ગુણવત્તા મળી છે તેથી આ સાયકલો પડી રહી છે.

ગ્રીમકો દ્વારા ટેન્ડર પ્રક્રિયા વખતે વાંધા ઉઠાવવામાં આવ્યા હતા તે પ્રમાણેના બીડ જે ભાવે આવ્યા છે એ રાજસ્થાનમાં મળેલા ભાવ કરતાં 587 રૂપિયા અને પશ્ચિમ બંગાળમાં મળેલા ભાવ કરતાં 452 રૂપિયા વધારે છે. એ બાબતે એલ્વન કંપની દ્વારા જે કૌભાંડ થયું છે તેવા આક્ષેપ સામે જસ્ટીફિકેશન આપવામાં આવ્યું છે તે યોગ્ય જણાયું નથી. પરિણામે બીડ રદ કરવા માટે સરકારની મંજૂરી મેળવવા પત્ર લખાય છે પરંતુ સરકાર બીડ રદ કરતી નથી.

સાયકલની આ ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો છે અને તેમાં સીએમ ઓફિસની સીધી સંડોવણી છે તેવો આક્ષેપ કરી કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે આખી પ્રક્રિયામાં વિલંબ થયો છે, ઉંચી રકમ ચૂકવવામાં આવી છે અને ઉતરતી ગુણવત્તા મળી છે ત્યારે સરકારે ક્યા અધિકારી કે મંત્રી સામે પગલાં લીધા છે તે ગુજરાતની જનતાને જાણવું જરૂરી છે. આ કેસમાં સરકારે તપાસ કરવી જોઈએ, કારણ કે ગયા વર્ષે પણ ખરીદેલી સાયકલ કન્યાઓને મળી શકી નથી.

  • આ કેસમાં સરકાર તપાસ કરી રહી છે...

કોંગ્રેસના સભ્યએ સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદવામાં આવેલી સાયકલમાં 10 કરોડનું કૌભાંડ થયું છે તેવા આક્ષેપ સામે સરકારના પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર આ કેસમાં તપાસ કરી રહી છે. રિપોર્ટ આવ્યા પછી આ ખરીદીમાં જે કોઈ જવાબદાર હશે તેમની સામે પગલાં લેવામાં આવશે.