ટેકનિકલ કોર્સીસની ખાનગી કોલેજો-યુનિવર્સિટીઓની ફી નક્કી કરતી ફી રેગ્યુલેશન કમિટી દ્વારા અંતે રાજ્યની 101 ખાનગી કોલેજો- યુનિ.ઓની નવી ફી આજે જાહેર કરી દેવાઈ છે. ફી કમિટી દ્વારા ગત વર્ષે નવુ ફી માળખુ નક્કી કરાયુ હતુ. પરંતુ 101 જેટલી કોલેજોએ પાંચ ટકાથી વધુ ફી વધારો માંગ્યો હોવાથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન-સ્ક્રુટિની સહિતની પ્રક્રિયા કરવાની હોઈ તેમાં એક વર્ષ સમય લાગ્યો છે.
આ 101 કોલેજોની ગત વર્ષથી લાગુ થાય તે રીતની ત્રણ વર્ષની નવી ફી જાહેર કરાઈ છે.જેમાં સૌથી વધુ 80 ટકા સુધી ફી વધારો એમબીએમાં અને 55 ટકા સુધી આર્કિટેકચરમાં આપવામા આવ્યો છે. પરંતુ ગત વર્ષની ફી આ વર્ષે જાહેર થતા વિદ્યાર્થીઓને મોટો તફાવત ભરવો પડશે અને વાલીઓ માથે મોટો આર્થિક બોજ પડશે.
આવશ્યક ચીજોના સતત વધી રહેલા ભાવ અને ટેક્સમાં કોઈ રાહત નહીં મળતા મોંઘવારીથી પિસાઈ રહેલી પ્રજા ઉપર કોલેજ ફીનો તોતિંગ વધારો આવી પડ્યો છે. એટલુ જ નહીં ફી રેગ્યુલેશન કમિટીએ જાહેર કરેલી ફી 2023-24ના વર્ષથી લાગુ પડશે એટલે કે વાલીઓએ ચાલુ વર્ષે ફી વધારો ચુકવવા ઉપરાંત ગત વર્ષની ફીમાં પણ વધારો ચુકવવો પડશે આમ ડબલ બોજ પડશે.
ગુજરાતમાં ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ઈજનેરી, ડિગ્રી ફાર્મસી, ડિપ્લોમા ફાર્મસી, એમ.ઈ, એમ.ફાર્મ, એમબીએ, એમસીએ, બી.આર્કિટેકચર, એમ.પ્લાનિંગ અને હોટલ મેનેજમેન્ટ સહિતના વિવિધ ટેકનિકલ કોર્સીસની 621 ખાનગી કોલેજો ગત વર્ષે ફી નિર્ધારણની પ્રક્રિયા સમયે રાજ્યમાં નોંધાયેલી હતી. ફી કમિટી દ્વારા અગાઉ કોરોનાના સમયમાં ફી નિર્ધારણ થયુ ન હતુ અને ગત વર્ષે 2023-24 થી 2025-26 સુધીના ત્રણ વર્ષ માટે ફી નિર્ધારણ પ્રક્રિયા કરવાની હતી.
ગત વર્ષે 510 કોલેજોએ પાંચ ટકા સુધીનો વધારો માંગ્યો હતો જેથી તેઓની ફી નિયમ મુજબ એફિડેવિટ-અરજીના આધારે જાહેર કરી દેવાઈ હતી. પરંતુ 101 કોલેજોએ પાંચ ટકાથી વધુનો ફી વધારો માંગ્યો હતો. આમ તો કોરોનાના સમયનો નિયમ મુજબ મળનાર પાંચ ટકાનો અને નવી સાયકલમાં મળનારા પાંચ ટકા સાથે 10 ટકાનો ફી વધારો થાય એટલે કે 101 કોલેજોની ફી 10 ટકાથી વધુ વધવાની હતી. જે કોલેજોએ ફી વધારો માંગ્યો હતો તેમાં નવા નિયમો મુજબ રૂબરૂ ઈન્સપેકશન કરવાનું હતુ અને જેથી એક વર્ષનો સમય લાગી ગયો પરંતુ અંતે 2024-25નું પણ નવું શૈક્ષણિક વર્ષ થઈ ગયા બાદ આજે 101 કોલેજોની નવી ફી જાહેર કરાઈ છે.
ફી કમિટી દ્વારા જાહેર કરાયેલા 101 કોલેજોના ત્રણ વર્ષ માટેના નવા ફી નિર્ધારણમાં આર્કિટેક્ચરમાં 55 ટકા ફી વધારો અનંત યુનિવર્સિટીને આપવામા આવ્યો છે. અનંત યુનિ.ની બી.આર્કની ફી 2022-23માં 88 હજાર હતી અને જે વધીને હવે 1.39 લાખ રૂપિયા થઈ છે. જ્યારે એલ.જે કોલેજને 20 ટકા, નવરચના યુનિ.ને 35 ટકા, એસવીઆઈટીને 25 ટકા, ઈન્દુભાઈ પારેખ કોલેજને 30 ટકા અને ગીજુભાઈ છગનભાઈ પટેલ કોલેજને બી.આર્કિટેકચરને 25 ટકાનો ફી વધારો અપાયો છે.
જ્યારે એમબીએમાં તમામ કોર્સમાં સૌથી વધુ 80 ટકા સુધીનો ફી વધારો અપાયો છે. જેમાં નવરચના યુનિ.ની એમબીએની ફી અગાઉ 77 હજાર હતી. જે હવે વધીને 1.38 લાખ રૂપિયા થઈ છે. આમ 61 હજાર રૂપિયાનો ફી વધારો થયો છે. અદાણી યુનિ.ને એમબીએમાં 30 ટકા વધારો મળ્યો છે. અદાણી યુનિ.ની ફી અગાઉ 150 લાખ હતી અને તેણે 3.67 લાખ માંગી હતી જેની સામે 1.97 લાખ રૂપિયા અપાઈ છે.
જે 101 કોલેજોની ફી નક્કી કરાઈ છે અને ફી વધારો અપાયો છે તેમાં ડિગ્રી ઈજનેરીની 22, ડિગ્રી ફાર્મસીની 20, ડિગ્રી આર્કિટેકચરની 6, ડિપ્લોમા ઈજનેરીની 11, ડિપ્લોમા ફાર્મસીની 3, એમ.ઈની 3, એમ.ફાર્મની 2, એમબીએની 21, એમસીએની 10 તથા એમ. પ્લાનિંગની 2 કોલેજો છે. આ ફી વધારો ગત વર્ષથી લાગુ થશે એટલે કે ગત વર્ષે આ કોર્સીસમાં અને આ 101 કોલેજમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓએ ગત વર્ષની ભરેલી ફીમાં વધેલી ફીનો તફાવત આ વર્ષે ભરવો પડશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology