રૃસ્તમપુરામાં ઈચ્છાદોશીની વાડી ખાતે રવિવારની રજામાં ફરવા જવાના મુદ્દે પતિ અને પત્ની વચ્ચે ઝધડો થયો હતો. જેમાં પત્નીએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે પતિએ જાણ થતા નાનપુરાના નાવડી ઓવારા પરથી નદીમાં મોતની છલાંગ મારી જીવન ટૂંકાવ્યું હતું.
સિવિલ અને ફાયર સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ રૃસ્તમપુરામાં ઈચ્છાદોશીનીવાડી પાસે સાંઇદર્શન એપાર્ટમેન્ટમાં રહેતી ૩૩ વર્ષીય કપિલાબેન જીતેશભાઈ રાણા રવિવારે રાત્રે ઘરમાં ફીનાઇલ ગટગટાવી ગઈ હતી. જેથી તેને સંબંધીઓ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જોકે આ અંગે તેના પતિ જીતેશને જાણ થતાં ટેન્શનમાં આવી ગયો હોવાથી તરત બાઇક લઈને નાનપુરા ખાતે નાવડી ઓવર ખાતે પહોંચી ગયો હતો. બાદમાં ત્યાં બાઇક અને મોબાઇલ સાઇડમાં મૂકી તાપી નદીમાં છલાંગ મારી દીધી હતી. તે સમયે ત્યાં હાજર લોકોમાં એકત્ર થઇ ગયા હતા. ફાયર બ્રિગેડે શોધખોળ કરી પણ પત્તો મળ્યો નહોતો.
દરમિયાન આજે વહેલી સવારે નાવડી ઓવારા ખાતેથી તેનો મૃતદેહ ફાયર લાશ્કરો બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. બાદમાં પોલીસે મૃતદેહને નવી સિવિલ ખાતે ખસેડાયો હતો. પોલીસે કહ્યુ કે, જીતેશ અને તેની પત્ની કપીલા ગઇ કાલે રવિવારની રજા હોવાથી શહેરમાં રૃઢનાથ મહાદેવ મંદિર સહિતની જગ્યા ફરવા જવાનું નક્કી કર્યુ હતું. પણ વરસાદ હોવાથી પતિએ અન્ય દિવસે ફરવા જવાનું કહ્યુ હતું. આ મુદ્દે દંપતિ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં માંઠુ લાગી આવતા કપીલાએ ફિનાઇલ પી લીધું હતું. બાદમાં પતિને જાણ થતા અચાનક ટેન્શનમાં આવીને નાવડી ઓવાર પર જઇને નદીમાં કુદીને આત્મહત્યા કરી હતી. જયારે જીતેશને સંતાનમાં બે પુત્રીમાં એક ૧૫ વર્ષની અને બીજી ૧૨ વર્ષની છે. તે જરીખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જયારે જીતેશ બહેનનો એકનો એક લાડકવાયો ભાઇ હતો. તેના મોતના લીધે પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology