bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અંતે મેઘરાજાએ હેત વરસાવ્યું : સિહોરમાં અઢી ઈંચ, ભાવનગરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો..

વરસ્યો હતો. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ભાવનગરમાં હજુ આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે.

અષાઢ અડધો પૂર્ણ થયાં પછી લાંબી રાહ જોવડાવ્યા બાદ ભાવનગરમાં અંતે મેઘરાજાએ હેત વરસાવ્યું છે. ગઈકાલે રવિવારની મોડી રાત્રિના ભાવનગર શહેરમાં વીજળીના ચમકારા સાથે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ વહેલી સવારે ૪ વાગ્યા સુધી વરસ્યો હતો. શહેરમાં વહેલી સવાર સુધીમાં પોણો ઈંચ વરસાદ વરસી ગયા બાદ બપોર સુધી મેઘરાજાએ વિરામ લીધો હતો અને બપોર બાદ શહેરમાં ફરી વરસાદી માહોલ સર્જાયો હતો અને ઝરમરથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. ભાવનગર શહેરમાં બપોરે ૧૨ કલાકથી રાત્રે ૮ કલાક સુધીમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. શહેરમાં છેલ્લા ૨૪ કલાકથી સર્જાયેલા વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને તાપમાનનો પારો પણ ગગડયો હતો. ગત રોજની સરખામણીએ આજે દિવસનું તાપમાન ૪.૧ ડિગ્રી ઘટીને ૩૦.૨ ડિગ્રી તથા લઘુતમ તાપમાન ૨૬.૬ ડિગ્રી નોંધાયું હતું. આજે પવનની ઝડપ ૧૪ કિમી પ્રતિ કલાકની રહી હતી જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૯૧ ટકા નોંધાયું હતું. તેમજ ભાવનગર એરપોર્ટ પર આજે દિવસ દરમિયાન ૧૧.૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

 ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના ૯ તાલુકાઓમાં આજે વરસાદ વરસ્યો હતો. જેમાં સિહોરમાં ગઈકાલે રાત્રિના ૧૦ થી ૧૨ સુધીમાં અડધો ઈંચ અને આજે સવારે ૧૦ થી સાંજે ૬ કલાક સુધીમાં અઢી ઈંચ મળી છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. સિહોર શહેર તથા ગ્રામ્ય પંથકના વડીયા, ઉસરડ, ઘાંઘળી, સાગવાડી, કાજાવદર, જાબાળા, દેવગાણા, બોરડી, આગીયાળી, ટાણા, વરલ, બેકડી, સરકડિયા, મોટા સુરકા, વળાવડ, સોનગઢ, જીંથરી, આંબલા, પીપળિયા, મઢડા, કનાડ, મેઘવદર, જાળિયા સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસતા પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ હતી અને આ વિસ્તારના પાણીના તળો ઉંચા આવ્યા છે. તે સિવાય તળાજા પંથકમાં ગઈકાલે સાંજે ૬ કલાકથી મોડી રાત્રિના ૨ કલાક સુધીમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. જોકે આજે દિવસ દરમિયાન તળાજા પંથકમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો નહોતો. આ સિવાય જિલ્લાના વલ્લભીપુર, ગારિયાધાર, મહુવા અને ઉમરાળા પંથકમાં આજે દિવસ દરમિયાન આશરે અડધો ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ભાવનગરમાં હજુ આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે.