bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

વડાપ્રધાન મોદીના 'વૉકલ ફોર લોકલ' અભિયાનના ગુજરાતની ભાજપ સરકારે જ લીરેલીરાં ઊડાવ્યાં...

સુરત શહેરના પોશ વિસ્તાર રૂંઢમાં કુટીર ઉદ્યોગના નામથી સંપાદન થયેલી સર્વે-બ્લોક નંબર-54 વાળી 18,700 ચોરસમીટર જગ્યા પરથી સંપાદન ઉઠાવી લેવા ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાંથી સુડાને ગત તારીખ 29 ફેબ્રુઆરીએ પત્ર લખાયો છે. રૂા. 325 કરોડની બજાર કિંમત ધરાવતી આ જગ્યા પરથી સંપાદન હટાવવા માટે સુરતના શહેરી વિકાસ સત્તા મંડળ (સુડા) દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી.

  • ઉદ્યોગના નામે સંપાદન થયેલી જમીન છૂટી કરવા મંજુરી આપી દેવાઈ

લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) અગાઉ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા કેટલાક નિર્ણયો સામે આંગળી ચિંધાઈ રહી છે. સુરતમાં કેટલાક અગ્રીમ હરોળના બિલ્ડરોને કરોડો રૂપિયા કમાવી આપવા ઝોન બદલી આપવાના નિર્ણય વચ્ચે નવો ફણગો ફૂટ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાંથી સુરતના રૂંઢ વિસ્તારમાં આવેલી કુટીર ઉદ્યોગના નામે સંપાદન થયેલી જમીન છૂટી કરવા મંજુરી આપી દેવાઈ હતી. લોકસભાની ચૂંટણીની આચારસંહિતા અગાઉ ગઈ તારીખ 13મી માર્ચના રોજ સુડાની બોર્ડ મિટીંગ મળી હતી.

  • સંપાદન થયેલી જમીન રિઝર્વેશન મુક્ત કરવા સુડાને પત્ર લખાયો હતો

બોર્ડ મિટીંગના એજન્ડા ઉપર રજૂ થયેલી દરખાસ્તમાં સુડાના ડેવલપમેન્ટ પ્લાન-2035માં જાહેર થયેલા ઝોન પૈકી કેટલાક ગામના ચોક્કસ સરવે નંબરોવાળા ઝોનમાં ફેરફાર કરવા કામ નં. 2 રજૂ થયું હતું. સોનારી, અબ્રામા, ખરવાસા, બોણંદ અને ભરથાણા-કોસાડ સહિતના કેટલાક ગામોમાં બિલ્ડરોએ ખરીદેલી કરોડો રૂપિયાની જમીનના ઝોનમાં ફેરબદલ કરવા તખતો ઘડાયો હતો. જે અંતર્ગત મુખ્યમંત્રી કાર્યાલયમાંથી 3 ગામોની જમીન ઝોનમાં ફેરફાર કરવા તથા રૂંઢમાં સરકારી માલિકીની કુટીર ઉદ્યોગ માટે સંપાદન થયેલી જમીન રિઝર્વેશન મુક્ત કરવા સુડાને પત્ર લખાયો હતો.

  • સરકારી તંત્રમાં પણ સોપો પડી ગયો

આ પત્રને અનુસંધાને હાલમાં રૂા.325 કરોડનો બજારભાવ ધરાવતી લગડી જેવી સરકારી માલિકીની જમીન સંપાદન મુક્ત કરવા સુડા બોર્ડમાં મુખ્ય કારોબારી અધિકારીને આગળની કાર્યવાહી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા. સરકારી જમીન છૂટી કરવા મુખ્યમંત્રી કાર્યાલયમાંથી લખવામાં આવેલા પત્રને કારણે સુરતના સરકારી તંત્રમાં પણ સોપો પડી ગયો છે.

  • પ્રધાનમંત્રીના વોકલ ફોર લોકલ કેમ્પેઈનના ભાજપની સરકારે જ લીરેલીરા ઉડાવ્યા

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન આપી રહ્યાં છે. વોકલ ફોર લોકલની વાતો કરી રહ્યાં છે. બીજી તરફ ગુજરાત સરકાર જ લઘુ અને કુટીર ઉદ્યોગ માટે સંપાદન કરાયેલી કરોડો રૃપિયાની જમીન મળતિયાઓર્ને પધરાવી દેવા કરોડો રૂપિયાનું ગણિત માંડીને બેઠી છે. આ જમીન ઉપર લઘુ ઉદ્યોગ શરૂ કરવામાં આવે, કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવે તો સાધારણ વર્ગના અનેક લોકોને રોજગાર મળે તેમ છે. આવા શુદ્ધ હેતુને બદલે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી જ કુટીર ઉદ્યોગની જમીન સંપાદન મુક્ત કરવા પત્ર લખવામાં આવી રહ્યો હોય ગુજરાત સરકાર (Gujarat Government)ના 'ચાવવાના અને બતાવવાના દાંત' અલગ અલગ હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. ગુજરાત સરકાર પોતે જ પ્રધાનમંત્રીના સંકલ્પ ઉપર પાણી ફેરવી રહી છે.