bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વરસાદી ખાડાઓએ સર્જ્યો 5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ....  

 રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. ગુરૂવારે સાંજે વડોદરામાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના લીધે આજે અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર આવેલા જાંબુવા બ્રિજના રોડ પર ખાડા પડી ગયા છે. જેના લીધે આજે વહેલી સવારથી જ ટ્રાફિકજામના દ્વશ્યો સર્જાયા છે.

છેલ્લા ઘણા દિવસોથી અહીં દરરોજ સવાર સાંજ ટ્રાફિકજામની સમસ્યા સર્જાયા છે. જેના લીધે વાહનો ચાલકો મુશ્કેલી મુકાઇ રહ્યા છે. ઘરેથી મહત્વના કામો માટે નિકળેલા લોકો ટ્રાફિકજામમાં ફસાઇ જતાં સમયસર પહોંચી શકતા નથી. અમદાવાદ-મુંબઇ હાઇવે પર આજે વહેલી સવારથી 5 કિલોમીટર લાંબી વાહનોની લાઇનો લાગી છે. દરરોજ આવા દ્રશ્યો સર્જાયા હોવાથી ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઇ છે. 

દર વખતે ચોમાસાની સિઝનમાં જાંબુવા બ્રિજ પર ટ્રાફિક સર્જાય છે. જેના લીધે બાજુમાં આવેલી સોસાયટીના રહીશો બહાર નિકળી શકતા નથી. આ ઉપરાંત આસપાસ સ્કૂલો આવેલી હોવાથી સ્કૂલ બસો પણ ટ્રાફિકમાં ફસાઇ જાય છે જેના લીધે સ્કૂલે પહોંચવામાં પણ મોડું થાય છે.  સ્થાનિક રહીશોએ નેશનલ હાઇવે ઓથિરિટીને પણ પત્રો લખીને પોતાની સમસ્યા જણાવી છે. 

સ્થાનિક રહીશોએ બળાપો ઠાલવતાં કહ્યું હતું કે ટ્રાફિકજામ થાય ત્યારે ટ્રાફીકશાખામાં ફોન કરીએ તો જલદી ગાડીઓ આવતી નથી. જો ઘરની બહાર નિકળી ગયા હોઇએ તો સોસાયટીમાં પ્રવેશી શકતા નથી અને ઘરમાં હોઇએ અને ઇમરજન્સીમાં બહાર નિકળવું હોય તો બહાર નિકળી શકતા નથી. બિમારી જેવા આકસ્મિક સંજોગોમાં સોસાયટીની બહાર નિકળવામાં ખૂબ સમસ્યા સર્જાય છે. ટ્રાફિકજામના લીધે સોસાયટીનો રસ્તો જ બંધ થઇ જાય છે. આ મામલે કોઇ યોગ્ય કાર્યવાહી કરી નિકાલ લાવવો જોઇએ.