ખેડૂતોની ચિંતા વધી! 10મી અને 11મી એપ્રિલે રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં થઈ રહેલ ફેરફારને કારણે ઉનાળામાં પણ વરસાદ પડી રહ્યો છે. જેને લઈને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદ લઈને આગાહી કરવામાં આવી છે. 10 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની આગાહી કરી છે. જેમાં 10 અને 11 એપ્રિલે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરી ગરમીનો પાર ઉંચકાશે. આ આગાહિના કારણે રાજ્યમાં ખેડૂતોની ફરી એક વખત ચિંતા વધી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 10મી એપ્રિલે દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ થઇ શકે છે. જ્યારે 11મી એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. કમોસમી વરસાદના કારણે કેરી સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થશે. તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો વધારો થતાં અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જઈ શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છમાં તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે (ગુરૂવારે) અમદાવાદમાં 35.7 ડિગ્રી, ડીસામાં 32.7, ગાંધીનગરમાં 36, વલ્લભ વિદ્યાનગરમાં 36.7, વડોદરામાં 36.8, સુરતમાં 36.7, વલસાડમાં 36.2, ભુજમાં 33.2, નલિયામાં 31.2, કંડલા પોર્ટમાં 31.3, અમરેલીમાં 38.2, ભાવનગરમાં 36.6, દ્વારકામાં 29.8, ઓખામાં 31.2, પોરબંદરમાં 33, રાજકોટમાં 38.6, વેરાવળમાં 31.4, સુરેન્દ્રનગરમાં 38.3, મહુવામાં 38.4 અને કેશોદમાં 36.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology