ગુજરાતમાં બાગાયતી ખેતીમાં વાવેતર વઘે તે માટે સરકાર દ્વારા અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ખેડૂતોને અદ્યતન તાલીમ આપવા રાજ્યમાં નવા ચાર સેન્ટર ઓફ એક્સેલેન્સ સ્થપાશે.
ફળ, શાકભાજી, મસાલા અને ફૂલ જેવા બાગાયતી પાકોની ખેતી વધુ ઉત્પાદન અને આવક આપતી હોવાથી રાજ્યના ખેડૂતોનો બાગાયતી ખેતી તરફ રસ વધ્યો છે. પરિણામે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન રાજ્યમાં બાગાયતી પાકોનું વાવેતર વધ્યું છે. વધતી જતી વસ્તીની સાથે બાગાયતી ઉત્પાદનોની માંગમાં પણ વધારો થયો છે. બાગાયતી ઉત્પાદનોની માંગને પહોંચી વળવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા બાગાયતી પાકોના વાવેતર વિસ્તારમાં વધારો કરવા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
રાજ્ય સરકારે બાગાયતી પાકના વાવેતર અને બાગાયતી ખેતીમાં આધુનિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
તેમણે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, બાગાયતી ખેતીમાં સફળતા માટે અદ્યતન પદ્ધતિ, તકનીકો અને ઉત્પાદન કૌશલ્યની ખાસ જરરૂરિયાત રહે છે. રાજ્યના ખેડૂતોને બાગાયતી ખેતીની અદ્યતન પદ્ધતિઓ અંગે તાલીમબદ્ધ કરવા તેમજ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા રાજ્ય સરકારે ગાંધીનગર, અમરેલી, બનાસકાંઠા અને દાહોદ જિલ્લામાં નવા સેન્ટર ઓફ એક્સેલેન્સ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા આગામી ત્રણ વર્ષ માટે સેન્ટર દિઠ રૂ. ૧૦ કરોડ મળી કુલ રૂ. ૪૦ કરોડ રકમ ફાળવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બાગાયત ખાતા દ્વારા કાર્યરત સેન્ટર ઓફ એક્સેલેન્સ ખાતે ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા શાકભાજીના રોપાઓ તેમજ ફળ પાકોની કલમો તૈયાર કરીને નજીવા દરે પૂરા પાડવામાં આવે છે. સાથે જ ખેડૂતોને રક્ષિત ખેતી, સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ, પ્લાસ્ટિક મલ્ચીંગ, હાઈટેક/પ્લગ નર્સરી, ઘનિષ્ટ વાવેતર, નવીનીકરણ તેમજ કાપણી પછીના વ્યવસ્થાપન જેવી દેશ-વિદેશની નવીન તકનિકોનું પણ જીવંત નિદર્શનોના માધ્યમથી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. સેન્ટર ઓફ એક્સેલેન્સ યુવા પેઢી અને જમીનવિહોણા ખેત મજૂરોને પણ કૌશલ્યવર્ધન તાલીમો આપવાની સફળ કામગીરી કરે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology