કળિયુગ જાણે ચરમસીમાએ પહોંચી ગયો તેવું લાગે છે. માતાએ પુત્રીની હત્યા કે બાપે દીકરાની હત્યા કરી હોય એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેને જોઈને કાળજું કંપી જતું હોય છે. ત્યારે આવો જ વધુ કિસ્સો અંક્લેશ્વરમાંથી સામે આવ્યો છે. જ્યાં સગા દીકરાએ જ માતાની હત્યા કરી દેતા ચકચાર મચી છે. માતાએ ચા બનાવી ન આપી તો દીકરાએ ગુસ્સામાં માતાના ગળે ચપ્પુનો ઘા કરી હત્યા નિપજાવી છે. જણાવી દઈએ કે, પિતાએ પુત્ર સામે પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાવ્યો છે.
અંક્લેશ્વરના જીઆઈડીસી વિસ્તારના સંસ્કૃતિ ફલાવર એપાર્ટમેન્ટમાં રણસિંહ ચૌધરી પોતાના પરિવાર સાથે રહે છે. ગત શનિવારના રોજ 27 વર્ષીય પુત્ર સિદ્ધાંત ચૌધરીએ તેની માતા ઇન્દ્રાવતીને ચા બનાવી આપવાનું કહ્યું હતું. માતાએ ના પડતા તેમની બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી.જેમાં આવેશ આવી ગયેલા સિદ્ધાંતે તેની માતાને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી દીધા હતા અને મૃતદેહને બેડરૂમમાં મુકી રાખ્યો હતો.
આ બાદ સિદ્ધાંતે પિતાને ફોન કરીને ઘરે કામ છે એમ કરીને બોલાવ્યા હતા . જેવા તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોતાની આંખો સામે જ લોહીથી લથપથ હાલતમાં પત્નીના મૃતદેહને જોતા તેમના હોશ ઉડી ગયા હતા.સિદ્ધાંતે જ તેની માતાનની હત્યા કરી હોવાનું તેમને જાણ થઇ હતી. આ બાબતે પૂછતાં તેણે જણાવ્યું કે, મને ગુસ્સો આવી ગયો એટલે મેં મમ્મીને ચપ્પુ મારી દીધું.
રણસિંહ ચૌધરીએ તરત જ પોલીસને જાણ કરતા અંકલેશ્વર GIDC પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology