વલસાડ જીલ્લા ભાજપના માજી મંત્રી એવા બિલ્ડરે વાપી હાઈવે પરની ઓફિસમાં જમીનના વિવાદમાં વાતચીત કરવા આવેલા શિવશક્તિ ડેવલોપર્સના ભાગીદારોને ડરાવવા ફલોરિંગ પર ત્રણ રાઉન્ડ ગોળીબાર કરતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે આરોપીની હથિયાર સાથે ધરપકડ કરી હતી. વર્ષ 2019માં આરોપી પાસેથી જમીન ખરીદ્યા બાદ જમીન પર લોનનો રૂ.2.49 કરોડ બોજો હટાવવા વારંવાર જણાવવા છતાં કાર્યવાહી નહી કરતા જમીન ખરીદનારા ઓફિસ પર આવ્યા હતા.
વાપી ખાતે રહેતા બિલ્ડર એવા વલસાડ, જિલ્લા ભાજપના માજી મંત્રી ગિરીરાજસિંહ હિમ્મતસિંહ જાડેજાની વાપી હાઇવે પર શાંતિ કોમ્પ્લેક્ષમાં ઓફિસ આવેલી છે. આજે સોમવારે સવારે ઓફિસમાં છરવાડા સ્થિત શિવશક્તિ ડેવલોપર્સના ભવનભાઈ બચુભાઇ બલદાનિયા તથા અન્ય ભાગીદારો જમીનના મામલે વાતચીત કરવા આવ્યા હતા. લગભગ બે-ત્રણ કલાક સુધી રાહ જોયા બાદ અચાનક ગિરીરાજસિંહ અન્ય કેબિનમાંથી તેમની પાસે ગયા હતા. અને સીધું ઓફિસના ફ્લોરિંગ પર ત્રણ રાઉન્ડ ગોળીબાર કરી દેતાં શિવશક્તિ ડેવલોપર્સના ભાગીદારો ગભરાય ગયા હતા.
ગિરિરાજસિંહે તેમને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. ઘટના સ્થળેથી બે ફૂટેલી કારતુસ પણ મળી હતી. પોલીસ ગિરીરાજસિંહની ધરપકડ કરી ગુનામાં ઉપયોગમાં લેવાયેલું અને અન્ય એક મળી બે હથિયાર પણ કબજે લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં ગિરીરાજસિંહ જાડેજાએ વર્ષ 2019માં શિવશક્તિ ડેવલોપર્સને વાપીના છરવાડા ગામે સર્વે નં.217/એ વાળી જમીન રૂ.5.૩0 કરોડમાં વેચી હતી. પણ જમીનમાં રૂ.2.49 કરોડનો લોનનો બોજો હોવાથી શિવશક્તિ ડેવલોપર્સના ભાગીદારોના નામોની એન્ટ્રી થતી ન હતી.
આ વાત ધ્યાને આવતા શિવશક્તિ ડેવલોપર્સના ભાગીદોરોએ ગિરીરાજસિંહને બોજો હટાવવા વારંવાર કહ્યું હતુ. જોકે, છેલ્લા 10 મહિનાથી આ મામલે કોઈ કાર્યવાહી નહી કરાતા શિવશક્તિ ડેવલોપર્સના ભાગીદારો આજે ગિરીરાજસિંહની ઓફિસ પર પહોંચી ગયા તે વેળા આ ગંભીર કૃત્ય કરાયું હતું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology