ઓખા-બેટ દ્વારકા વચ્ચે સમુદ્ર પર કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા સુદર્શન બ્રીજ પર ભારે વરસાદથી ગાબડું પડી જતા ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે દ્વારકા જિલ્લામાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સમુદ્ર પર બનેલો સુદર્શન સેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ પ્રોજેક્ટ હતો, જેના નિર્માણમાં 950 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આ બ્રીજ પર ગાબડા પડી ગયા હોવાની તસવીરો સામે આવતા બ્રીજનાં કામમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે. સાથે જ બ્રીજના બાંધકામ સામે અનેક સવાલો પણ ઉભા થયા છે.
દ્વારકામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદને કારણે બ્રીજ પર અનેક જગ્યાએ પડેલા ગાબડાએ કરોડોના ખર્ચે બનેલા નવનિર્મિત બ્રીજના કામમાં પોલમપોલને ઉઘાડી પાડી દીધી છે. બ્રિજ પર લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે, તો અમુક જગ્યાએ સાઈડની દીવાલમાં પ્લાસ્ટર ઊખડી ગયું હોવાનું પણ સામે આવ્યું છે. જયારે બ્રીજના જોઈન્ટ પણ છુટ્ટા પડી ગયા હોવાના અને બ્રીજના નિર્માણમાં વાપરવામાં આવેલા લોખંડના સળીયા બહાર દેખાતા હોવાની તસવીરો પણ સામે આવી છે. બ્રીજની રેલિંગને પણ કાટ લાગી ગયો હોવાનું સામે આવ્યું છે.
સુદર્શન બ્રીજના નિર્માણનો કોન્ટ્રાક્ટ હરિયાણાની એસ.પી.સિંગલા કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યો હતો. આ જ કંપનીએ બિહારમાં પણ બ્રીજ બનાવ્યો હતો. બિહારના ભાગલપુરમાં બનાવેલો બ્રીજ વર્ષ 2023માં ધરાશાયી થઈ ગયો હતો. ત્યારે બિહારની ઘટના બાદ ગુજરાતમાં બ્રિજની ગુણવત્તા પર સવાલ પણ ઉઠ્યા હતા. ત્યારે હવે વરસાદમાં બ્રીજ પર ત્રણ જગ્યાએ પોપડાં ઉખડી જતા લોખંડના સળિયા દેખાવા લાગતા પોલ ખુલી. આટલા જ વરસાદમાં પુલ પર ગાબડા પડવાથી અનેક સવાલો ઉભા થયા છે.
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ સમાન કરોડોના ખર્ચે નવનિર્મિત સુદર્શન સેતુનું પાંચ મહિના પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. વરસાદમાં બ્રિજ ધોવાઈ જતા કંપનીએ કરેલી કામગીરીની પોલ ખુલી, તો બ્રીજ પર ગાબડા પડ્યા હોવાની વિગતો સામે આવતા જ તંત્ર દોડતું થઈ ગયું છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology