bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

વાહ રે ગુજરાત! દહેગામ તાલુકાનું આખે આખું ગામ બારોબાર વેચાઇ ગયું, જાણો સમગ્ર મામલો...  

દહેગામ તાલુકાનો એક એવો કિસ્સો જે સમગ્ર રાજ્યમાં હાલ ચકચાર મચાવી રહ્યો છે. માનવામાં ના આવે તેવી વાત છે પણ વાત સાચી છે, 600ની વસ્તી ધરાવતું જૂના પહાડિયા નામનું આખે આખું ગામ વેચાઈ ગયું છે. બનાવની વિગત પ્રમાણે વાત કરીએ, તો પહાડિયા સુજાના મુવાડા ગ્રૂપ ગ્રામ પંચાયતમાં આવતા જૂના પહાડિયા ગામને બારોબાર વેચી મરાયાનું કાવતરું થયું છે. સમગ્ર વાતની જાણ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

જે સર્વે નંબરમાં ગામ વસેલું છે તેની કાચી નોંધ પડી 50થી વધુ વર્ષથી વસવાટ કરતા ગ્રામજનોમાં ફફડાટ
જૂના પહાડિયા ગામના બ્લોક સર્વે નંબર 142 (જૂનો સર્વે નંબર 6) હે.આરે. ચોરસ મીટર 1-45-97 વાળી જમીન 1982, 1987 તથા 2003ના વર્ષમાં સ્ટેમ્પ પેપર તથા સાદા લખાણથી બાનાખત કરીને તેમજ 50ના સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી કરારથી હાલમાં વસવાટ કરતા અરજદારોએ વેચાણ રાખી હતી. આ સર્વે નંબર પર જ આખે આખું ગામ વસેલું છે જે જૂના પહાડિયા તરીકે ઓળખાય છે. ગામમાં રહેતા રહીશોની મિલકતની આકારણી પણ કરવામાં આવી છે. ગામમાં પાણીનો બોર પણ ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યો છે. તલાટી અને સરપંચ દ્વારા રહીશોને દાખલા પણ આપવામાં આવ્યા છે. મકાનોના વેરાઓ પણ ગ્રામજનો ભરી રહ્યાં છે. 

ગ્રામજનો હાલ તો સરકારી કચેરીના ધક્કા ખાવા મજબૂર બન્યાં છે, ગ્રામજનોનો આક્ષેપ છે કે, ખોટા ફોટા અને ખોટા આંકડા તેમજ નકશા દ્વારા અધિકારીઓની મીલિભગતથી આ દસ્તાવેજ થયો છે. આ દસ્તાવેજ ખોટો હોવાથી રદ કરવાની પણ ગ્રામજનો માગ કરી રહ્યાં છે. સમગ્ર મામલો બહાર આવતા ગ્રામજનો મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી ન્યાયની માગ કરી છે. ગ્રામજનોએ વાંધા અરજી રજૂ કરીને ગ્રામજનો ઘર વિહોણા ના બને તે માટે રેકોર્ડમાં પહેલી વેચાણ નોંધને ડિસ્પુટમાં દાખલ કરીને તાત્કાલિક ન્યાય અપાવવા પણ માંગ કરાઈ છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે, આ ગ્રામજનોને ન્યાય મળશે કે પછી વર્ષોથી રહેતા પોતાના બાપ-દાદાની જમીન માટે ઝઝૂમતા રહેશે.

  • તંત્ર સામે ન્યાયનો પોકાર

જો કે, આ મામલાની જ્યારથી જાણ થઈ કે ત્યારથી ગ્રામજનો દોડતા થયા છે. મામલતદારને આવેદનપત્ર આપીને તપાસની માગ કરાઈ છે. ગામની મહિલાઓ તંત્ર સામે ન્યાય માટે ગુહાર લગાવી રહી છે. જે સર્વે નંબરની વેચાણ નોંધ પડી છે તેની સામે પ્રાંત અધિકારી કચેરીમાં વાંધા અરજી પણ રજૂ કરવામાં આવી છે. 

  • કેવી રીતે સમગ્ર મામલો બહાર આવ્યો?

વેચાણ દસ્તાવેજના આધારે રેકોર્ડમાં કાચી નોંધ પડતા આ સમગ્ર ભાંડો ફૂટયો હતો. ત્યારે અહીં 50થી વધુ વર્ષથી વસવાટ કરતા ગ્રામજનો હાલ ચિંતિત છે. અને હવે ગ્રામજનો ઉપર જાયે તો જાયે કહાં જેવી પરિસ્થિતિનો ઘાટ સર્જાયો છે.