દહેગામ તાલુકાના જુના પહાડિયા ગામના વેચાણ દસ્તાવેજ થઈ જવા મામલે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી હતી. ત્યારે હવે આખરે વહીવટી તંત્ર દ્વારા આ ગામમાં ધામા નાખીને તપાસ કર્યા બાદ જમીન માલિકો અને જમીન ખરીદનાર જસદણના શખસ સહિત આઠ લોકો સામે ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અત્યાર સુધી જમીન મકાનના બરોબર દસ્તાવેજ થતા હોવાનું ધ્યાને આવતું હતું. પરંતુ આ વખતે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જુના પહાડિયા ગામનો જ આખેઆખો વેચાણ દસ્તાવેજ થઈ જતા ભારે દોડધામ મચી ગઈ હતી. જેને લઈ 10 વર્ષથી વસવાટ કરતા ગ્રામજનોમાં પણ રોષ ફેલાયો હતો અને આ મામલે જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરી હતી. આ ઉપરાંત દહેગામ મામલતદાર કચેરીમાં જઈને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. જેના પગલે વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું અને પ્રાંત અધિકારી સહિત અધિકારીઓ જુના પહાડિયા ગામ ખાતે પહોંચ્યા હતા. ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આખરે આ મામલે વેચાણ દસ્તાવેજ કરી આપનાર જમીન માલિકો અને જમીન ખરીદનાર જસદણના ખેડૂત સામે ગુનો દાખલ કરવાનો નિર્ણય લેવાયો હતો.
દહેગામ સબ રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા વિશાલ મણીભાઈ ચૌધરીએ ફરિયાદ નોંધાવી હતી કે, જુના પહાડિયા સીમના નવા સર્વે નંબર 142, જૂનો સર્વે નંબર 106નો વેચાણ દસ્તાવેજ તેમની કચેરીમાં 13મી જૂનના રોજ આવ્યો હતો અને તેમની રૂબરૂમાં આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. જો કે, આરોપીઓએ આ ગામમાં 80 જેટલા મકાનો હોવા છતાં તેનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો અને તેના ફોટા પણ બતાવ્યા ન હતા. સર્વે નંબરના આધારે ખુલ્લી જમીનના ફોટા રજૂ કરી ગુનો કર્યો હતો, જેના પગલે રખિયાલ પોલીસ મથકમાં આઠ વ્યક્તિઓ સામે ગુનાહિત ષડયંત્ર તેમજ રજીસ્ટ્રીકરણ અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેને લઈ હવે પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
દહેગામના જૂના પહાડિયા ગામનો વેચાણ દસ્તાવેજ કરી દેનાર પહાડિયા ગામના કાંતાબેન ભીખાજી ઝાલા, કોકીલાબેન ભીખાજી ઝાલા, વિનોદકુમાર ભીખાજી ઝાલા, પલીબેન જશુજી ઝાલા, જયેન્દ્રકુમાર જશુજી ઝાલા, નેહાબેન જસુજી ઝાલા, એક સગીર વયની દીકરી તેમજ જમીન ખરીદનાર રાજકોટના જસદણના અલ્પેશ લાલજી હિરપરા સામે ગુને દાખલ કરવામાં આવ્યો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology