આણંદના ભાજપના સાંસદ મ">

bs9tvlive@gmail.com

06-April-2025 , Sunday

સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને ફરી નવો વિવાદ

આણંદના ભાજપના સાંસદ મિતેષ પટેલે જમીન ફાળવવા ગુજરાતના મુખ્યમંત્રીને ભલામણ પત્ર લખ્યો

 અવારનવાર વિવાદોમાં રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને ફરી નવો વિવાદ સામે આવ્યો છે. આમ તો આ સંપ્રદાયના જમીન કૌભાંડ, બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય જેવા અનેક વિવાદો સામે આવી ચુક્યા છે પરંતુ આ વખતે આ વિવાદનું કારણ કંઈક અલગ છે.આંકલાવના કહાનવાડી ગામે રૂા. 113 કરોડ વધુની કિંમત ધરાવતી 237 વીઘા જમીન સરકારે માત્ર 37.48 કરોડમાં જ રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળને શિક્ષણના હેતુથી પધરાવી દીધી છે.

               આંકલાવ તાલુકાના કહાનવાડી ગ્રામ પંચાયત ખાતે રાજકોટની સ્વામિનારાયણ ગુરુકુળના વ્યવસ્થાપક મહેસૂલ ભરવા આવ્યા હતા. જેની જાણ ગ્રામજનોને થઈ હતી. પુછપરછ કરતાં વ્યવસ્થાપકે આણંદ જિલ્લા કલેકટર અને જમીન માપણી વિભાગનો પરિપત્ર બતાવ્યો હતો. જેમાં લખ્યું હતું કે કહાનવાડીની વિવિધ સરકારી પડતરની અંદાજિત 237 વીઘા જમીન શૈક્ષણિક હેતુ માટે રાજકોટની સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી દેવામાં આવી છે.

               આ જમીનની કિંમત સરકારે રૂા. 37.48 કરોડ રૂપિયા જેટલી આંકી છે. જે અંગેનો પરિપત્ર પણ બતાવ્યો હતો. જે ભરવા માટે તે ગ્રામ પંચાયતમાં આવ્યા હતા. ગામની કિંમતી જમીન ફાળવી દેવાઈ હોવાની જાણ થતા ગ્રામજનો પંચાયત પાસે ભેગા થઈ ગયા હતા. અને આ મામલે ગ્રામજનોએ આજે ઉગ્ર વિરોધ કરી સુત્રોચ્ચાર કરી ગ્રામ પંચાયતને તાળા મારીને વિરોધ કર્યો હતો અને સરકાર દ્વારા જમીન ફાળવવાનો નિર્ણય રદ કરવા માંગ કરી હતી.

                   ગ્રામજનોએ કરેલી માંગ અનુસાર ગ્રામ પંચાયતની સરકારી જમીન ફાળવવા અંગે ગ્રામજનોને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા અને એ સિવાય આ સરકારી જમીનનો ઉપયોગ ભવિષ્યમાં લોક હેતુ માટે થઇ શકે તેમ છે, આવાસમાં થઈ શકે તેમ છે, ઉપરાંત ગામમાં રેલ્વે લાઈન પસાર થઈ હોવાથી નાના ખેડૂતોની જમીન સંપૂર્ણ રેલ્વેમાં જતી રહી છે તો એ લોકોને રહેવા માટે કોઇપણ જમીન ફાળવવામાં નથી આવી. અને એ સિવાય કહાનવાડી ગામને પુરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે, જયારે જયારે નદીમાં પાણી આવે છે ત્યારે ગામના લોકો પોતાના પરિવાર સાથે અને પશુઓ સાથે આશ્રય સ્થાન તરીકે આ સરકારી પડતર જમીનનો હંગામી ધોરણે રહેવા માટે ઉપયોગ કરે છે, તેમજ આ જમીન ફાળવી દેવાનાં કારણે ગામની વસ્તીનાં પ્રમાણમાં કોઈ સરકારી પડતર જમીન બાકી રહેતી નથી તેથી સ્વામિનારાયણ ગુરૂકુળને ફાળવી આપેલી સરકારી જમીનનો ઠરાવ રદ કરવા માંગ કરી છે, નહી તો આવતીકાલે ગ્રામજનો આણંદ કલેકટરને આવેદનપત્ર આપશે ત્યારબાદ આગામી દસમી ફેબ્રુઆરીએ ગ્રામસભા બોલાવી ગ્રામજનો આંદોલનનાં મંડાણ કરશે.


                  ત્યારે બીજી તરફ આણંદના ભાજપના સાંસદ મિતેષ પટેલે રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળના સ્વામીના કહેવાથી ૨૦૨૩માં જમીન ફાળવવા મુખ્યમંત્રીને ભલામણ કરી હોવાનો સાંસદનો લેટરપેડ બહાર આવ્યો છે. આણંદના ભાજપના સાંસદ મિતેશભાઈ પટેલે ૨૬/ ૫/૨૦૨૩ના રોજ પોતાના લેટરપેડ ઉપર સહી કરીને ગુજરાતના મુખ્યમંત્રીને જમીન ફાળવવા માટે ભલામણપત્ર લખ્યો હતો. જે પત્ર મુજબ રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના સ્વામીજી તરફથી અમોને રૂબરુ મળીને કરેલી રજૂઆતે, સદરહું સંસ્થાન દ્વારા ભારતીય સંસ્કૃતિના સંસ્કારોના સિંચન સાથેનું આધુનિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ કક્ષાનું શિક્ષણ ઉપલબ્ધ કરાવવી શકાય તેવા શુભઆશયથી મારા લોકસભા મતવિસ્તારમાં અત્યાધુનિક સુવિધાસજ ધર્મજીવન યુનિર્વસીટીના કેમ્પસનું નિર્માણ કરવા આયોજન કરવામાં આવેલ છે.

                       શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ સંસ્થાન છેલ્લા ૭૫ વર્ષ જેટલા લાંબા સમયથી બાળકોમાં સંસ્કાર સાથે શિક્ષણનું સિંચન કરવાની સરાહનીય કામગીરી કરી રહયા છે. સદર બાબત ધ્યાને લેતા આણંદ જીલ્લામાં સદરહું સંસ્થાનનું નવું શૈક્ષણિક સંકુલ શરૂ કરવામાં આવશે તો તેનો લાભ મારા લોકસભા મતવિસ્તારના બાળકો-યુવાનોને મળી રહેશે તેવી આશાસહ સદરહું શૈક્ષણિક સંકુલને અમો આવકારીએ છે.

                     સદરહું સંસ્થા દ્વારા તેઓના નવા પ્રોજેકટ માટે આંકલાવ તાલુકાના મોજે. કહાનવાડી ગામની સરકારી ખરાબાની જમીનની ફાળવણી રાજય સરકારશ્રીમાં તમામ સાધનિક કાગળ સહિત જમા કરવામાં આવેલ છે, તેમ મને જણાવવામાં આવેલ છે. સદરહું સંસ્થાનનો ઉમદા હેતુ ધ્યાને રાખી જમીનની ફાળવણી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમાનુસાર ફાળવણી થવા મારી અંગત ભલામણ છે. તેમ જણાવેલ છે.