bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

'મોદી પરિવાર સભા'માં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રીએ રૂપાલાના નિવેદનના વિરોધમાં રાજીનામું આપ્યું....

બોટાદના પાળિયાદ ગામમાં યોજાયેલ ભાજપની 'મોદી પરિવાર સભા'માં તાલુકા ભાજપ મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન વિજય ખાચરે જાહેરમાં ભાષણ આપતાં આપતાં રાજીનામું આપ્યું હતું. પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને રાજીનામું આપ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું. વિજય ખાચરે 'મોદી પરિવાર સભા'માં ક્ષત્રિય સમાજના સમર્થનમાં જાહેરમાં રાજીનામું આપી દેતાં રાજકારણ ગરમાયું છે.

પાળિયાદ ગામે ભાજપની સભામાં ભાષણ આપતાં વિજય ખાચરે જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાતમાં અમારા ક્ષત્રિય સમાજમાં રોષ છે. રૂપાલા સાહેબ દ્વારા ક્ષત્રિય સમાજનું જે અપમાન કરવામાં આવ્યું છે તેનાથી ક્ષત્રિય સમાજ નારાજ છે. 20 વર્ષથી હું ભાજપમાં કામ કરી રહ્યો છું. મતનો અધિકાર મને મળ્યો ત્યારથી હું ભાજપનો કાર્યકર્તા છું. આજે મારે મારા સમાજ સાથે રહેવાની ફરજ પડી છે. જેથી હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી રાજીનામું આપું છું. હું એવું ઈચ્છું છું કે આ વિષયનો સુખદ અંત આવે. હું ભાજપના મોવડી મંડળને પ્રાથના કરું છું કે આના માટે પ્રયત્ન કરે.

બોટાદ જિલ્લા ભાજપ દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર જિલ્લામાં પ્રદેશ ભાજપના આગેવાનો તેમજ જિલ્લા ભાજપના આગેવાનોની હાજરીમાં 'મોદી પરિવાર સભા' યોજાઈ રહી છે. આ મોદી સભામાં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી વિજય ખાચરે રૂપાલાના નિવેદનના વિરોધમાં જાહેરમાં પ્રવચન કરી ક્ષત્રિય સમાજને સમર્થન આપીને જાહેરમાં ભાજપમાથી રાજીનામું આપી દેતાં રાજકારણ ગરમાયું છે.