bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રૂપાલાના વિવાદમાં હવે હાઈકમાન્ડની એન્ટ્રી, ક્ષત્રીય નેતાઓને દિલ્લીનું તેડું... 

ગુજરાતમાં હવે ક્ષત્રિયોની લડાઈ આરપારની લડાઈ બની છે. રૂપાલાને રાજકોટ બેઠકથી હટાવવા એ ક્ષત્રિયો માટે વટનો સવાલ બની રહ્યો છે. ગઈકાલે અમદાવાદના ધંધૂકામાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું સંમેલન ભરાયુ હતું. જેમાં 9 કે 10 તારીખે રાજકોટમાં 5 લાખ ક્ષત્રિયોને ભેગા કરવા એલાન કરાયું છે. જો ટિકિટ નહીં કપાય તો અમદાવાદ GMDCમાં પણ મહાસંમેલન થશે. આવામાં દિલ્હી હાઈકમાન્ડે ક્ષત્રિય નેતાઓને દિલ્હીમાં બોલાવીને ઉકેલ માટે મનોમંથન કર્યાની માહિતી સામે આવી છે. 
ગુજરાત ભાજપ દ્વારા ક્ષત્રિયોને મનાવવા, રીઝવવાના અનેક પ્રયાસો કરાયા. પરંતું ક્ષત્રિયો માન્યા નથી. તેમની રૂપાલા વિરુદ્ધની લડત હજી ચાલુ જ છે. ત્યારે આ મડાગાંઠ ન ઉકેલાતા હવે દિલ્હીની એન્ટ્રી થઈ છે. ત્યારે વાટાઘાટોનો બીજો રાઉન્ડ શરૂ કરાયો છે, જેમાં ખુદ દિલ્હીએ દસ્તક આપી છે. આ માટે ગુજરાતના ક્ષત્રિય નેતાઓને ઉકેલ શોધવા માટે દિલ્હી બોલાવાયા હતા.

ગુજરાત ભાજપમાં ક્ષત્રિય નેતાઓની વાત કરીએ તો, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ રવિવારના રોજ દિલ્હીમાં બેઠક કરી આવ્યા છે. તેઓને બોલાવી ક્ષત્રિયોને સમજાવવા માટે હવે નવી રણનીતિ બનાવવામાં આવશે. જેમાં રાજકોટ બેઠક પર રૂપાલાને બદલવા કે આંદોલનનો કોઈ બીજો ઉકેલ ખરો કે નહિ તે મુદ્દે ચર્ચાઓ કરાશે. દિલ્હી હાઈકમાન્ડ પણ હવે આ વિવાદનો અંત લાવવા માંગે છે. તેથી ક્ષત્રિય નેતાઓ સાથે વાટાઘાટો કરાઈ હતી.