ગ્રામિણ વિસ્તારોમાં શ્રમિકોને રોજગારી મળી રહે તે હેતુસર મનરેગા યોજના શરૂ કરાઈ હતી. ગરીબોના મસીહા હોવાનો દાવો કરતી સરકાર જ શ્રમિકનું શોષણ કરી રહી છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં શ્રમિકોને લઘુત્તમ વેતન ઓછુ ચૂકવાય છે. મોટાભાગના રાજ્યોએ વેતનમાં સુધારો કરીને ગરીબ શ્રમિકને લાભ આપ્યો છે. પરંતુ સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોને વધુ વેતન મળી રહે તે માટે પ્રયાસો કરાયા નથી. હાલ શ્રમિકોને માત્ર 280 રૂપિયા વેતન ચૂકવાય છે.
ગરીબ લોકોને ગામડાઓમાં રોજગારી મળી રહે તે માટે વર્ષ 2005માં લોકસભામાં કાયદો પસાર કરાયો હતો. જ્યારે એપ્રિલ 2008માં કાયદાનો અમલ કરાયો હતો. 100 દિવસ રોજગારી મળી રહે તે માટે મનરેગા યોજના ગરીબ શ્રમિકો માટે આર્શીવાદ રૂપ બની રહી છે. કોરોના કાળ હોય કે પછી મંદીનો માહોલ હોય, મનરેગા યોજના શ્રમિકો માટે આવકનો સ્ત્રોત પુરવાર થઈ છે. ગુજરાતમાં વર્ષ 2024-24માં જુલાઇ માસમાં જ મનરેગા યોજના હેઠળ કુલ 8,94,619 લોકોને રોજગારી આપવામાં આવી હતી.
નેશનલ રૂરલ એમ્પલોયમેન્ટ ગેરન્ટી યોજના હેઠળ શ્રમિકોને રોજગાર પ્રદાન કરવામાં આવી રહ્યુ છે. પરંતુ સવાલ માત્ર લઘુ્ત્તમ વેતનનો છે. ખુદ કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપી છે કે, સિક્કીમ, તામિલનાડુ, તેલંગાના, પોંડીચેરી, આંદામાન, ગોવા, પંજાબ, હરિયાણા, કર્ણાટક, કેરાલા, લક્ષદીપ અને દાદરા નગર હવેલી એવા રાજ્યોમાં જ્યાં મનરેગા યોજના હેઠળ મજૂરીને લઘુત્તમ વેતન 300 રૂપિયાથી વધુ ચૂકવવામાં આવે છે. જો કે, ગુજરાત આ મામલે ઘણું પાછળ રહ્યુ છે.
બીજી તરફ સમૃધ્ધ-વિકસીત ગુજરાતમાં ગરીબ શ્રમિકને માત્ર 280 રૂપિયા વેતન ચૂકવાય છે. મોટાભાગના રાજ્યોએ લઘુત્તમ વેતન દરમાં ફેરફાર કર્યો છે. જ્યારે ગુજરાતમાં આ મામલે સરકારે જરાય રસ દાખવ્યો નથી. વિપક્ષનો આક્ષેપ છે કે, સરકારને ઉદ્યોગપતિઓને જમીન- સબસિડીની લહાણી કરવામાં જ રસ છે. ગરીબોને લાભ મળે તે દિશામાં સરકાર કોઈ પ્રયાસ કરતી નથી. જો મનરેગામાં વેતન વધારવામાં આવે તો ગરીબ શ્રમિકોની આવકમાં વધારો થઈ શકે તેમ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology