અગ્નિકાંડના નામ પડતા આંખમિચામણાં કરતા મનપાના સત્તાધીશો રોજેરોજ લોકોને પીડા આપતા રસ્તાકાંડ પ્રતિ પણ ઘોર ઉપેક્ષાના પગલે અબજો રૂ।.નું આંધણ કર્યા પછી અને અસહ્ય એવા અનેકવિધ કરવેરા વસુલવા છતાં રાજકોટ જેવા મહાનગરમાં પણ સારા રસ્તા આપવામાં શાસકો અને અધિકારીઓ સરિયામ નિષ્ફળ ગયા છે. આજે આવા ભંગાર રસ્તાના કારણે વધુ એક વૃધ્ધના હાથ-પગ ભાંગ્યા હતા.ઓફિસમાં બેઠા બેઠાં અને કાર્યક્રમોમાં જઈને વિકાસની વણથંભી વાતો કરતા નેતાઓએ ભંગાર રસ્તાની સમસ્યાનો અનહદ વિકાસ કર્યો છે. આ રસ્તા વરસાદથી નથી તૂટયા પણ નબળા કામ અને રસ્તા તુટયા પછી તેના પ્રત્યે દાખવાતી લાપરવાહીના કારણે તુટેલા રહે છે અને જાડી ચામડીના બની ગયેલા અધિકારીઓ અને પદાધિકારીઓ આવા રસ્તા પર પ્રજાના ખર્ચે સારા જમ્પરવાળી કારમાં પસાર થઈને સંવેદના પણ ગુમાવી ચૂક્યા છે.
કોઈ પણ નાગરિક વાહન ખરીદે એટલે વાહન ઉપર તગડો ટેક્સ વસુલાય, આ વાહનનું રજીસ્ટ્રેશન કરાય ત્યારે આર.ટી.ઓ.માં રોડટેક્સ સહિતના કરવેરા ચૂકવવા પડે છે ત્યારે રાજકોટના આર.ટી.ઓ.પાસેનો રસ્તો જ એટલો ખરાબ થઈ ગયો છે, અને આ સમસ્યા પણ નવી નથી પરંતુ, લાંબા સમયથી લોકો ભોગવી રહ્યા છે કે આજે એક વૃધ્ધ ટુ વ્હીલર પરથી પસાર થતા રસ્તાની બાજુમાં ખુલ્લી રાખી દેવાયેલી કુંડીમાં ટુ વ્હીલર સાથે ખાબકતા ઈજા પહોંચી હતી. મેયર,ચેરમેન,ડેપ્યુટી મેયર,સિટી ઈજનેર સહિત અધિકારીઓ, ધારાસભ્યો, સાંસદો વગેરે ટુ વ્હીલરમાં જતા નથી અને લોકો ભલે પડતા આખડતા એવી નિર્દયી મનોવૃતિ દર્શાવી રહ્યા છે.
હાઈવે દ્વારા દર વર્ષે વધતા દરે તદ્દન અન્યાયી એવો ટોલટેક્સ વસુલવામાં આવે છે જે લોકોને ખુલ્લી લૂંટ લાગે છે અને છતાં પણ રાજકોટ આસપાસ હાઈવેના રસ્તા પર પણ અતિ ભંગાર થઈ ગયા છે. મહાપાલિકા દ્વારા બે વર્ષ પહેલા કરાયેલા વધારા સાથે રસ્તા સહિતની સુવિધા આપવાના નામે કરોડોનો મિલ્કતવેરો વસુલાય છે છતાં હાઈવેથી માંડીને મનપા વિસ્તારમાં રસ્તા સારા મળતા નથી એ પ્રજા સાથે ખુલ્લી છેતરપિંડી છે. પ્રજાનો રોષ વારંવાર સપાટી પર આવતો હોવા છતાં પ્રજાના મત મેળવ્યા પછી પ્રજાને લાચાર,નિર્બળ માનીને આવા રોષને નજરઅંદાજ કરે છે.
શહેરના અનેક માર્ગો પર ભંગાર રસ્તા પર જોખમી ગાબડાં પડયા છે જે મનપાના સીસીટીવી કેમેરામાં પણ જોઈ શકાય છે અને રસ્તે આવતા જતા અફ્સરો,નેતાઓ પણ જોઈ શકે છે છતાં હાલ ચોમાસામાં ડામરકામ નહીં તો કમસેકમ તેની તાત્કાલિક ઈજનેરી બુધ્ધિ વાપરીને યોગ્ય રીતે મરમ્મત કરાવીને સમથળ કરાવવા કોઈ વ્યવસ્થા જ નથી. ડિમોલીશન કરવા ધસી જવા ટીમો છે પણ રસ્તા રિપેર કરવા તુરંત ધસી જાય તેવી કોઈ ટીમ નથી. આજે વાહનચાલક રસ્તાના ખાડામાં ખાબક્યા ત્યારે પણ ચેરમેને આવું ન થવું જોઈએ તેમ કહ્યું, ભૂલ સ્વીકારાય છે પરંતુ, રસ્તા સમથળ રહે તે સુનિશ્ચિત કરાતું નથી.
ઈજનેરી સૂત્રો અનુસાર ગોંડલરોડથી છેક રૈયારોડ વચ્ચેના ભાગમાં અનેક સ્થળે પાઈપલાઈન નાંખવાના કામો કરવામાં આવ્યા છે તેથી રસ્તા ખરાબ છે અને એક વરસાદ જાય પછી ત્યાં ડામર થઈ શકે. આ જ માનસિકતા વર્ષોથી અને ત્રણેય ઝોનમાં દેખાય છે જે વાસ્તવમાં ફરજ પ્રત્યેની ઘોર બેદરકારી દર્શાવે છે, કારણ કે રસ્તાનું ખોદાણ થયા પછી તુરંત જ તેનું એવી રીતે પુરણ કરવું જોઈએ કે રસ્તો સમથળ બને અને ત્યાં ગાબડાં પડે નહીં. અધિકારીઓ અને પદાધિકારીઓને આ આવડતું ન હોય તો કોઈ ઈજનેરના ટેકનિકલ નોલેજની મદદ લઈ શકે છે.
રાજકોટ અને આસપાસના હાઈવે તો દૂર, સર્વિસ રોડ પણ જર્જરિત થયા છે. મનપા,પીડબલ્યુડી,નેશનલ હાઈવે,રૂડા સહિતના તમામ તંત્રના અધિકારીઓ આ ભંગાર રસ્તા રહેવા દે છે તેનું કારણ એ છે કે લોકોને અસહ્ય પીડા આપતી આ સમસ્યા માટે ખુદ શાસકો જ કડક પગલા લેવાને બદલે તંત્રને છાવરે છે,બન્નેના ગઠબંધનના પાપનો ભોગ જનતા જનાર્દન રોજેરોજ બની રહ્યા છે. લોકો મુક રહીને ટોલટેક્સ,રોડ ટેક્સ,વાહન ટેક્સ, મિલ્કતવેરો વગેરે ભરતા રહે છે તેથી નિંભર સત્તાધીશો ટેક્સના બદલામાં સારી સુવિધા આપવામાં લક્ષ્ય આપતા નથી.ભંગાર રસ્તાના પ્રશ્ને કેટલાક શાસક નેતાઓને ક્યારેક સંવેદના જાગે છે પરંતુ, તેઓ પણ શિસ્તના નામ પર મોઢે તાળા મારી દે છે અને વિકાસના ગુણગાન ગાતા રહે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology