ગુજરાતમાં દિવાળી પૂર્વે સુધારેલી જંત્રીના દરનો અમલ કરવા તેમજ સ્ટેમ્પ ડ્યુટીના દરમાં ઘટાડો કરવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. શહેરોના વિકસિત વિસ્તારોમાં બજાર ભાવને ઘ્યાને લઈને વેલ્યુ ઝોન પ્રમાણે જંત્રીના નવા દર નક્કી કરાયા છે. જ્યારે વિકાસની ઓછી તક હશે તેવા વિસ્તારોમાં જંત્રીના દરોમાં ઘટાડો થવાની શક્યતા છે.
ગુજરાત સરકારે જ્યારે જંત્રીના દર લાગુ કર્યા હતા, ત્યારે બિલ્ડર લોબીએ ભારે વિરોધ કર્યો હતો. કારણ કે સાયન્ટિફિક ગણતરી કર્યા વિના આ દર નક્કી કરવામાં આવ્યા હોવાથી એક જ વિસ્તારમાં દરોમાં ઘણી વિસંગતતા જોવા મળી હતી. પરિણામે સરકારે દરમાં સુધારો કરવાનો આદેશ આપ્યો હતો. આમ તો નવા દર વર્ષ 2023માં લાગુ કરવાના થતા હતા. પરંતુ લોકસભાની ચૂંટણી આવતી હોવાથી સરકારે તેનો અમલ અટકાવી રાખ્યો હતો. હવે નજીકના ભવિષ્યમાં કોઇ મોટી ચૂંટણી નહીં હોવાથી સરકાર ધીમેથી જંત્રીના સુધારેલા દર નક્કી કરવા માગે છે. આ દર નક્કી કરતાં પહેલાં ગુજરાતના કેટલાક અધિકારીઓ મહારાષ્ટ્રમાં ગયા હતા અને ત્યાં જંત્રીની પદ્ધતિનો અભ્યાસ કર્યો હતો.
બીજી તરફ રાજ્ય સરકારે બિલ્ડર લોબી સામે ઝૂકીને સ્ટેમ્પ ડ્યુટીના દરોમાં ઘટાડો કરવાની વિચારણા શરૂ કરી છે. છેલ્લા બે વર્ષથી બિલ્ડરો સ્ટેમ્પડ્યુટીના દરોમાં ઘટાડો કરવા માટે સરકારમાં અનેક વખત રજૂઆતો કરી ચૂક્યાં છે. હાલ રાજ્યમાં સ્ટેમ્પડ્યુટીનો દર 4.9 ટકા છે અને રજીસ્ટ્રેશન ફી 1 ટકા વસૂલ કરવામાં આવે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, સરકાર 0.50 થી 1 સુધીના દરો ઘટાડી શકે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology