વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકો સહિત કુલ 14 લોકોના મોતની ગોઝારી દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે આજે કસૂરવાર કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટ્સ અને જે સ્કૂલના બાળકો આ દુર્ઘટનામાં માર્યા ગયા હતા તે વડોદરાની ન્યુ સનરાઈઝ સ્કૂલને પક્ષકાર તરીકે જોડી તેમને નોટિસ જારી કરી હતી. પીડિતો તરફથી આ લોકોને પક્ષકાર બનાવવા કરાયેલી અરજી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ગ્રાહ્ય રાખી હતી.
દરેક જળાશયોમાં વૉટર પોલીસ તૈનાત કરવા સૂચન
કેસની સુનાવણી દરમ્યાન વડોદરા મનપા તરફથી નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરને રિપોર્ટ રજૂ કરી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હર્તા કે, ગુજરાતમાં 2022માં નદી, તળાવ અને દરિયામાં જુદા જુદા કારણોસર ડૂબી જવાના કારણે 2000થી વધુ લોકોના મોત નિપજયા છે. જેથી હાઈકોર્ટ આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ રાજય સરકારને રાજયના દરેક જળાશયો (નદી, તળાવ વગેરે માટે)માં લોકોની સુરક્ષા માટે વૉટર પોલીસ તૈનાત કરવા સૂચન કર્યું હતું.
હરણી તળાવ બોટ દુર્ઘટના કેસની સુનાવણી દરમ્યાન આજે પીડિતો તરફથી અરજી કરી ન્યુ સનરાઇઝ સ્કૂલ અને કોટિયા પ્રોજેકટસને પક્ષકાર બનાવવા માંગણી કરવાની સાથે સાથે તેઓને પણ જવાબદાર ઠરાવી તેઓની પાસેથી પીડિતોને યોગ્ય વળતર ચૂકવાય તે અંગે રજૂઆત કરવામાં આવી હતી.
પીડિતોના સમર્થનમાં રાજય સરકારે પણ જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં ન્યુ સનરાઈઝ સ્કૂલનો પણ એટલો જ વાંક અને જવાબદારી છે. શિક્ષણ વિભાગે મામલાની ગંભીરતા લઈ શાળાનું મેનેજમેન્ટ ટેક ઓવર કરવા વિચારણા હાથ ધરી છે. જો કે, કોર્ટે આ પગલાંને યોગ્ય ગણાવ્યું ન હતુ અને શાળાઓમાં પ્રવાસ બંધ નહી કરાવવા પણ તાકીદ કરી હતી પરંતુ સાથે સાથે આવી દુર્ઘટનાઓમાં શાળાની જવાબદારી નક્કી કરવા જણાવ્યું હતું.
જળાશયોમાં ડૂબી જવાથી વર્ષે દહાડે બે હજારથી વધુ લોકોના મોતના એનસીબીના રિપોર્ટને લઈ હાઈકોર્ટે સરકારને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં પણ આ પ્રકારના બનાવોમાં ઘણા યુવાનો મૃત્યુ પામ્યા છે. ખરેખર તો નાગરિકોની સુરક્ષા માટે જળાશયોમાં વોટર પોલીસ તૈનાત કરવાની ખૂબ જરૂર છે. જો વોટર પોલીસ નહી હોય તો ગમે તેવા નિયમો(એસઓપી) કરશો તો તે પળાશે નહી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology