bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

વિશ્વના વિશાળ ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સમાં કસ્ટમ હાઉસ શરૂ કરવા મંજુરી મળી...

 સુરતના ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સને પુનઃ ધમધમતું કરવાના પ્રયાસ અંતર્ગત ગત અષાઠી બીજના રોજ 250 ઓફિસ શરૂ કરવામાં આવી હતી. જયારે આજ રોજ ડાયમંડ બુર્સમાં કસ્ટમ ક્લીયરન્સ હાઉસ પણ શરૂ કરવાની મંજૂરી મળવાની સાથે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા બુર્સને કસ્ટોડીયનની પણ મંજૂરી આપવામાં આવી છે. 

ખજોદ ખાતે અંદાજે ૩400 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલા વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવા બુર્સની નવી કમિટી દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસની ગત અષાઢી બીજના રોજ 250 થી વધુ ઓફિસ શરૂ કરવાની સાથે નાના વેપારીઓને કેબીનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. દરમિયાનમાં આજ રોજ સુરત ડાયમંડ બુર્સમાં કસ્ટમ ક્લીયરન્સ હાઉસ શરૂ કરવાની મંજૂરી મળી ગઇ હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે ડાયમંડ બુર્સ કમિટીના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે કસ્ટમ ક્લીયરન્સ હાઉસની મંજૂરી મળી ગઇ છે અને બુર્સમાં અંદાજે 40 હજાર સ્કેવર ફૂટથી વધુ જગ્યામાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કસ્ટમ હાઉસ ધમધમતું થઇ જશે. ઉલ્લેખનીય છે કે સુરત એરપોર્ટ ખાતે ઇન્ટરનેશનલ કાર્ગો માટે કસ્ટમ નોટિફાઇ ન હોવાથી સુરત ડાયમંડ બુર્સ દ્વારા મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સ્ટ્રોંગ રૂમ માટેની જગ્યા મેળવી સ્ટ્રોંગ રૂમ બનાવ્યો હતો.

જેથી મુંબઇ કસ્ટમ પાસે ટ્રાન્સશીપમેન્ટની મંજૂરી માંગી હતી અને મુંબઇ કસ્ટમ કમિશ્નર દ્વારા ડાયમંડ બુર્સને કસ્ટોડીયન તરીકેની પણ મંજૂરી આપવામાં આવી છે. જેથી ડાયમંડ બુર્સ ખાતે જીજેઇપીસીની ઓફિસ અને સ્પેશીયલ નોટિફાઇડ ઝોન પણ શરૂ થતા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે અને હીરા ઉદ્યોગને વેગ મળશે.