bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

વડોદરામાં 13 ઇંચ ખાબક્યા બાદ મેઘરાજાના ખમૈયા, વિશ્વામિત્રીએ ભયજનક સપાટી વટાવી....

 વડોદરા શહેર અને જિલ્લામાં બુધવારે અનરાધાર 13 ઇંચ જેટલો વરસાદ વરસતાં સંસ્કારી નગરીમાં પાણી જ પાણી થઈ ગયું હતું. આખું શહેર બોટમાં ફેરવાઈ જતાં એનડીઆરએફની ટીમ બોટ લઈને શહેરમાં રેસ્ક્યુ માટે ફરતી જોવા મળી હતી. વિશ્વામિત્રી નદીમાં ભયજનક સપાટી 26 ફૂટ છે, ભારે વરસાદના લીધે વિશ્વામિત્રી નદીએ આ સપાટી વટાવી દીધી છે. હાલ વિશ્વામિત્રી નદી 27 ફૂટે વહી રહી છે. શહેરના તમામ વિસ્તારોમાં ઠેરઠેર ગોઠણસમા વરસાદી પાણી ભરાયા છે. શાળા-કૉલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. 

  • 485 સોસાયટી, 150 વસાહતોમાં ગોઠણસમા વરસાદી પાણી ભરાયા

ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવતાં શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે કમાટીપુરા, જલારામ નગર, આકોટા ગામની ઝૂંપડપટ્ટી સહિતના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. જેના લીધે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને માલ-સામાનનું ભારે નુકસાન થયું છે.  શહેરમાં ભારે વરસાદને કારણે લગભગ તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેનો નિકાલ કરવામાં કોર્પોરેશન નિષ્ફળ નિવડ્યું છે, આજે કોર્પોરેશનના અધિકારીઓ દિવસભર દોડતા રહ્યા પરંતુ વરસાદ સતત ચાલુ રહેવાના કારણે પાણીનો નિકાલ કરવામાં ભારે વિલંબ થયો હતો. ચાર ઝોનમાં 120 વિસ્તારની 485 સોસાયટી અને 150 વસાહતોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. બીજી તરફ વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવતાં શહેરના માર્ગો ઉપર મગર જોવા મળ્યા હતા. 

  • ગોરવાનું દશામાં તળાવ ફાટ્યું, 300થી વધુ વસાહતીઓ ફસાતા રેસ્ક્યુ 

વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલું દશામાં તળાવ ફાટતાં આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. વરસાદને કારણે આજે તળાવ ઓવરફલો થતાં આસપાસના રહેણાક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ફાયર બ્રિગેડ, સ્થાનિક કાઉન્સિલરની ટીમ તેમજ પોલીસ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરાતાં 300થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

 

  • NDRF તેમજ SDRFની ટીમો તૈનાત કરાઈ

વડોદરા શહેરમાં બુધવારે અવિરત વરસેલા વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં ફસાઈ ગયેલા લોકોને સલામત સ્થળે બહાર કાઢવા માટે એસડીઆરએફની બે અને એનડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વડોદરા કોર્પોરેશનના સહયોગથી નિચાણવાળા વિસ્તારોમાંથી ટ્રેક્ટર અને વિટકોસ બસ દ્વારા 60 જેટલા નાગરિકોને એસડીઆરએફની મદદથી સલામત રીતે! નજીકના આશ્રયસ્થાન ખાતે ખસેડવામાં આવ્યા હતા.