રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 50 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. સરદાર સરોવરમાં હાલમાં 1,69,240 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 50.66 ટકા જેટલો જળસંગ્રહ જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં 1,81,947 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 32.48 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
આજે સવારે 8.00 કલાકના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ વરસાદ થતા જામનગર જિલ્લાનો વઘાડિયા ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100 ટકા એટલે કે, સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના પાંચ જળાશયો 80 ટકાથી 90 ટકા છલકાતા એલર્ટ પર છે જેમાં જૂનાગઢના ઓઝત-2, કચ્છના કાલાગોગા, મોરબીના ઘોડાધરોઈ, રાજકોટના ભાદર-2 અને સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમને એલર્ટ અપાયું છે. રાજ્યના કુલ પાંચ જળાશયો 70 ટકાથી 80 ટકા વચ્ચે ભરાતા ચેતવણી આપવામાં આવી છે જેમાં જામનગર જિલ્લાના ફુલઝર-1, અને ફુલઝર(કેબી), જૂનાગઢના બાંટવા-ખારો, પોરબંદરના સરન તથા રાજકોટના આજી-2 ડેમનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ,ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 35.31 ટકા, મધ્ય ગુજરાતના 17માં 41.49 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 32.62 ટકા, કચ્છના 20માં 21.57 ટકા, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 23 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે એટલે કે, વર્ષ 2023માં આજના દિવસે ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 48.12 ટકા, મધ્ય ગુજરાતના 17માં 42.04 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 35.39 ટકા, કચ્છના 20માં 50.95 ટકા, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 47.18 ટકાથી વધુ પાણીનો સંગ્રહ નોંધાયો હતો તેમ જળ સંપતિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology