સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે જમીનનું ધોવાણ થઈ ગયું છે. જેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર ખેડૂતોના વહારે આવી છે. અને સમગ્ર રાજ્યમાં જમીન ધોવાણની કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે.
રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ આજે પોરબંદર ઘેડની મુલાકાતે છે. મુખ્યમંત્રીની સૂચનાથી રાઘવજી પટેલ જમીન ધોવાણની જાતે માહિતી મેળવશે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે. આગામી થોડા દિવસોમાં પાક નુકસાનીનું SDRFના નિયમો મુજબનું વળતર જાહેર થશે. અંદાજિત 300 કરોડ આસપાસની વળતરની રકમ સરકાર જાહેર કરી શકે છે.
પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડુતોના ઉભા પાકને ભારે નુકશાન થયેલ છે, તેમજ ડેમ ઓવરફ્લો થતા ખેતરો અને ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. જેને લીધે ઘરવખરી અને પાકને નુકશાન થયું હતું. જેથી નુકસાનીનો સર્વે કરી વળતર ચુકવવા રજુઆત કરવામાં આવેલ છે.
પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, પોરબંદર જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે તેમજ પોરબંદર જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં પાણી આવવાથી ખેડુતોની જમીનનું ધોવાણ થયું છે. ખેડુતો દ્વારા કરવામાં આવેલ તમામ પાકનાં વાવેતરને ભારે નુકશાન થયું છે, ખેતરો તેમજ ગામોમાં પાણી ભરાયા છે. જેનાં લીધે ખેડુતોનો મહામૂલ્ય ઉભો પાક નાશ થયેલ છે. અને નદિ કાંઠાનાં ખેતરોનું ખુબ જ ધોવાણ થયેલ છે.
પોરબંદર જિલ્લાનાં ત્રણેય તાલુકાનાં ઘેડ વિસ્તાર અને પોરબંદર તાલુકાનાં બરડા વિસ્તાર, રાણાવાવ તાલુકાનો હાઇ-વે થી ઉપરનો ડુંગર વિસ્તાર તેમજ કુતિયાણા તાલુકાના હાઇ-વે થી ઉપરનો ડુંગર વિસ્તારની જમીનો આવેલી છે. તેમાં જમીનમાંથી પાણીનાં રેસ ફુટી નિકળેલ હોય ખેડુતો દ્વારા કરવામાં આવેલ તમામ પાકોના વાવેતર નિષ્ફળ ગયેલા છે. ખેતીની જમીનમાં ચાર થી પાંચ ફુટ પાણી ભરાયેલા છે. ખેડુતોના પશુઓ તેમજ માલધારીઓના પશુઓનો ઘાસચારા પલળી ગયેલ છે. તે ખેડુતો તથા માલધારીઓને ઘાસચારાની તાત્કાલીક વ્યવસ્થા કરવામાં આવે તેમજ જિલ્લાના શહેરી વિસ્તારોમાં પણ ખુબ નુકશાન થયેલ છે. તે તમામનો સર્વે કરાવી વળતર આપવા માંગણી કરવામાં આવી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology