કેન્દ્રના મૌસમ વિજ્ઞાાન વિભાગે ચોમાસાના ચાર પૈકી બાકી રહેલા બે માસ માટે જારી કરેલા પૂર્વાનુમાન મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્યથી ઘણો ઓછો વરસાદ રહેવાની સંભાવના જણાવી છે. જ્યારે બાકીના ગુજરાતમાં બન્ને માસ દરમિયાન નોર્મલથી વધારે વરસાદની શક્યતા છે. ચોમાસાના પૂર્વાર્ધના બે માસમાં સૌરાષ્ટ્રમાં મોસમનો 75 ટકા અને કચ્છમાં 85 ટકા વરસાદ વરસી ગયો છે ત્યારે ગુજરાતમાં મધ્ય, પૂર્વ, ઉત્તર ભાગના જિલ્લાઓમાં માત્ર 43 ટકા વરસાદ વરસ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં 61 ટકા વરસાદ નોંધાયો છે. પરંતુ, આજે જારી પૂર્વાનુમાન મુજબ હવે ચિત્ર ઉલટું થશે.
ઓગષ્ટ માસમાં કચ્છ તથા જામનગર, દ્વારકા,પોરબંદરથી રાજકોટ સુધીના પટ્ટા પર કે જ્યાં આજ સુધીમાં અતિ મુશળધાર વરસાદ વરસી ગયો છે ત્યાં વરસાદમાં નોર્મલ કરતા મોટી ખાધ પડવાની શક્યતા છે જ્યારે બાકીના ગુજરાતમાં ચોમાસુ નોર્મલ રહેવા સંભાવના છે. જ્યારે ઓગષ્ટ-સપ્ટેમ્બર બે માસમાં એકંદરે ગુજરાતમાં સામાન્યથી વધુ, સારો વરસાદ વરસવાની શક્યતા છે ત્યારે સૌરાષ્ટ્રમાં નોર્મલ કરતા ઓછો વરસાદ વરસશે.
રાજ્યમાં આ બે મહિના તાપમાન કેવું રહેશે તેનું પણ પૂર્વાનુમાન જારી થયું છે. જે મુજબ ઓગષ્ટમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર,કચ્છમાં મેઘવર્ષાને બદલે તાપ વરસશે તેવી શક્યતા છે જ્યારે બન્ને માસમાં સમગ્ર રાજ્યમાં એકંદરે તાપમાન ઉંચુ રહેવાની આગાહી છે.
ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો પડશે પણ ગરમી વધુ પડશે. જેની અસર એ થશે કે આ મહિનામાં શ્રાવણ માસ, મેળા, ગણપતિ ઉત્સવ વગેરેમાં વરસાદ ઓછો નડે પરંતુ, તાપ વધુ નડે તેવી સંભાવના છે. જો કે, મૌસમ ક્યારે ચિત્ર બદલતું હોય તે નક્કી નથી ત્યારે કોઈ વાવાઝોડા જેવી સીસ્ટમ ધસી આવે તો મૌસમ બદલાઈ શકે છે. હાલનું અનુમાન વિવિધ મોડેલ પર વૈજ્ઞાાનિકોએ તૈયાર કર્યું છે.
સૌરાષ્ટ્રમાં આજ સુધીના બે માસમાં 440 મિ.મિ. અર્થાત્ આશરે 17.50 ઈંચ વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને જુનાગઢ, દ્વારકા, પોરબંદર જિલ્લામાં કેટલાક સ્થળોએ રેકોર્ડબ્રેક 40 ઈંચથી વધુ વરસાદ છે. આ વરસાદ સરેરાશ કરતા 48 ટકા વધુ છે અને એ રીતે સમગ્ર દેશમાં સૌથી વધુ વરસાદમાં ગોવા પછી બીજા ક્રમે સૌરાષ્ટ્ર છે, જ્યારે બાકીના ગુજરાતમાં 488 મિ.મિ. (19.50 ઈંચ) એટલે કે આજ સુધી નોર્મલી પડતો હોય તેટલો વરસાદ નોંધાયો છે. સમગ્ર દેશમાં બે માસમાં 9 રાજ્યમાં નોર્મલ કરતા વધારે, 17 રાજ્યોમાં નોર્મલ, 10 રાજ્યોમાં ઓછો વરસાદ વરસ્યો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology