મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ લાગુ કરી હતી, જેની સફળતા બાદ હવે આ પહેલને રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આ નવી પહેલના સફળ પ્રયોગને કારણે બનાસકાંઠા અને પંચમહાલની જિલ્લા સહકારી બેંકોમાં સહકારી મંડળીઓ અને તેમના સક્રિય સભ્યો દ્વારા 4 લાખથી વધુ નવા ખાતા ખોલવામાં આવ્યા છે, જેના પરિણામ સ્વરૂપે સહકારી બેંકોની થાપણોમાં રૂપિયા 966 કરોડનો વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝન હેઠળ દેશભરમાં સહકારી સંસ્થાઓને મજબૂત કરવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી હતી.
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રમાં અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આવા જ એક પાયલટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શરૂ કરવામાં આવી હતી, જે ખૂબ જ સફળ રહી છે. સહકાર ક્ષેત્રની આ નોંધપાત્ર સિદ્ધિ અંગે ગુજરાતના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, “મજબૂત સહકારી ક્ષેત્ર ‘વિકસિત ગુજરાત’ના પાયામાં મજબૂત આધારસ્તંભ સાબિત થઈ શકે છે, જે આપણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન ‘વિકસિત ભારત @2047’ને સાકાર કરવામાં મદદરૂપ સાબિત થશે.”
બનાસકાંઠા અને પંચમહાલમાં આ પાયલટ પ્રોજેક્ટની સફળતા બાદ રાજ્ય સરકારે તમામ જિલ્લાની સહકારી સંસ્થાઓમાં તેનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલના અમલીકરણ બાદ જિલ્લા સહકારી બેંકો ગ્રામ્ય સ્તરે તેમની સેવાઓનું વિસ્તરણ કરી શકશે અને એ સુનિશ્ચિત કરી શકશે કે ગુજરાતની સહકારી સંસ્થાઓની મૂડી સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા સભ્યો અને અન્ય સહકારી સંસ્થાઓને નાણાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં ઉપયોગી બને.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology