bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

આગામી વિધાનસભા સત્રમાં ડ્રાફ્ટ બિલ રજૂ કરાશે, અંધશ્રઘ્ધા, કાળો જાદુ-મેલી વિદ્યા મામલે હવે ગુજરાતમાં પણ કાયદો આવશે...

ગુજરાતમાં અંધશ્રઘ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા માટે ખાસ કાયદો લાવવા દાદ માંગતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની રિટ અરજીમાં રાજયના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી તરફથી ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કરી સરકારના બહુ મોટા અને મહત્ત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી કે, ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં બ્લેક મેજીક અને અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાંખવા અને નાથવા માટેનું ડ્રાફ્‌ટ બીલ રજૂ કરવામાં આવશે. ટૂંકમાં, સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, આ મામલે હવે કાયદો આવશે.

  • કાળો જાદુ-મેલી વિદ્યાના દૂષણને નાથવા હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કરી જાહેરાત

રાજય સરકાર તરફથી રજૂ કરાયેલા સોગંદનામામાં જણાવાયું હતું કે, મહારાષ્ટ્ર રાજયમાં મહારાષ્ટ્ર પ્રિવેન્શન એન્ડ ઇરેડિકશન ઓફ હ્યુમને સેક્રીફાઇસ એન્ડ અધર ઇનહ્યુમન, એવીલ એન્ડ અઘોરી પ્રેકટીસ અને બ્લેક મેજીક એકટ-2013 અસ્તિત્વમાં છે અને કર્ણાટક, ઓરિસ્સા, રાજસ્થાન, છત્તીસગઢ અને આસામ જેવા રાજયોમાં પણ આ પ્રકારનો કાયદો અમલી છે. 

  • ગુજરાતમાં હજુ સુધી કાળા જાદુ અને અમાનવીય પ્રવૃત્તિઓને નાથવા  કાયદો નથી

સરકારપક્ષ તરફથી નિખાલસપણે આ વાતનો હાઇકોર્ટ સમક્ષ સ્વીકાર કરાયો હતો કે, આપણા ત્યાં ગુજરાતમાં હજુ સુધી કાળા જાદુ અને અમાનવીય પ્રવૃત્તિઓને નાથવા માટે કોઇપણ પ્રકારનો કાયદો નથી. આ સમગ્ર મામલે તા. 23-7-2024ના રોજ રાજયના ગૃહ સચિવ, ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી, એડિશનલ ડાયરેકટર જનરલ (કાયદો અને વ્યવસ્થા) અને એડિશનલ ડાયરેકટર જનરલ(ક્રિમીનલ ઇન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટ એન્ડ રેલ્વેઝ) એક અગત્યની બેઠક યોજાઇ હતી, જેમાં આ સમગ્ર મામલે વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. 

  • આગામી વિધાનસભાના સત્રમાં ડ્રાફ્‌ટ બિલ રજૂ કરવામાં આવશે

પુખ્ત વિચારણાના અંતે સરકાર દ્વારા નિર્ણય લેવાયો હતો કે, આગામી ગુજરાત વિધાનસભાના સત્રમાં બ્લેક મેજીક અને અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા અને નાથવા માટેનું ડ્રાફ્‌ટ બિલ રજૂ કરવામાં આવશે. હાઇકોર્ટ સમક્ષ કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં એવા મુદ્દા ઉઠાવાયા હતા કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અંધશ્રઘ્ધા અને કાળા જાદુના બનાવો-કિસ્સાઓ નોંધપાત્ર રીતે સામે આવ્યા છે અને અંધશ્રઘ્ધાને ઓળખવા કે તેને અટકાવવાની કોઇ કાયદાકીય જોગવાઇ નથી. 

  • અંધશ્રઘ્ધાનો શિકાર પછાત અને આદિજાતિના લોકો વઘુ બને છે 

મહારાષ્ટ્ર અંધશ્રઘ્ધા નિમૂલન સમિતિના સ્થાપક નરેન્દ્ર દાભોલકરીના હત્યા થયાના ચાર દિવસ બાદ જ મહારાષ્ટ્રમાં આ કાયદાને લઇ વટહુકમ બહાર પડાયો હતો અને બાદમાં વિધાનસભામાં પસાર કરાયો હતો. અંધશ્રઘ્ધા, કાળા જાદુ કે મેલી વિદ્યા જેવી બાબતોનો શિકાર પછાત અને આદિજાતિના લોકો વઘુ ભોગ બનતા હોય છે પરંતુ સમાજના અન્ય વર્ગો પણ એક યા બીજી રીતે તેમાં પીસાતા હોય છે ત્યારે લોકોની સુરક્ષા અને સલામતી માટે ગુજરાતમાં પણ આ અંગેના કાયદા અને તેનું અમલીકરણ ખૂબ જરૂરી છે. અરજદારપક્ષ તરફથી ગુજરાતના અંધશ્રઘ્ધાને લગતા કેટલાક બનાવોને પણ ટાંકવામાં આવ્યા હતા.