bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

45 કિમીની ઝડપે ફૂંકાશે પવન, માછીમારોને દરિયોમાં ન જવા આદેશ, IMDની ગુજરાત માટે ચેતવણી...  

ચોમાસાનો વરસાદ હાલ ગુજરાત સહીત દેશના અનેક રાજ્યોમાં જામ્યો છે. ભારતના મોટાભાગના રાજ્યોમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. વાદળ ફાટવાથી પર્વતીય રાજ્યોમાં તબાહી મચી ગઈ છે જ્યારે કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. હવામાન વિભાગ (IMD) એ 2 ઓગસ્ટે કર્ણાટક, ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, આસામ, મેઘાલય, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

  • ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની ચેતવણી જાહેર કરી છે અને આંધી વાવાઝોડાની ચેતવણી પણ આપી છે. ઓફશોર ટ્રફ અને સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ 45 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આગાહી કરી છે અને માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપી છે.

  • ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટની ચેતવણી

હવામાન વિભાગે 3 ઓગસ્ટે ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે. આ સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, વડોદરા અને પંચમહાલમાં ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 4 ઓગસ્ટના રોજ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની યલો એલર્ટની ચેતવણી છે. હવામાન વિભાગે 5 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.