કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ પછી હત્યાનો કેસ વધુ ગંભીર બન્યો છે. આ ઘટનાને લઈને દેશભરમાં તબીબી આલમમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે. મૃતક ડૉક્ટરને ન્યાય મળે તે માટે રાજ્યની સરકારી હોસ્પિટલના ડૉક્ટર્સ અને રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પર છે. ત્યારે આજે (17મી ઑગસ્ટ) અમદાવાદ, સુરત, રાજકોટ અને જામનગરમાં ડોક્ટરોએ રેલી કાઢી હતી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની બી.જે મેડિકલ, GCS હોસ્પિટલ સહિત તમામ કોલેજના વિધાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. પીડિતાને ન્યાય મળે તે માટે GCS હૉસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર દ્વારા રેલી કાઢવામાં આવી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાળનો બીજો દિવસ છે. ખાનગી હોસ્પિટલના ડોક્ટરો પણ OPD બંધ રાખીને વિરોધમાં જોડાયા છે. ડોક્ટરોની સુરક્ષાને લઇને કાયદો ઘડવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવશે.
પશ્ચિમ બંગાળની આર.જી.કર મેડીકલ કોલેજ ખાતે ડ્યુટી પર રહેલા રેસીડેન્ટ તબીબ સાથે અણબનાવ થયો છે, એના પડઘા સમગ્ર દેશભરમાં પડ્યા છે અને જામનગર સુધી તેની અસર વર્તાઈ છે.
ઈન્ડિયન મેડીકલ એસોસિએશન આ ઘટનાને અત્યંત દુઃખદ અને કડક શબ્દોમાં વખોડી કાઢે છે. રાષ્ટ્રીય લેવલે આઈ.એમ.એ. દ્વારા લેવાયેલા નિર્ણયને અનુસરીને આઈ.એમ.એ. જામનગર સાથે જોડાયેલા તમામ ડોક્ટર અને તે ડોક્ટર્સની સાથે જોડાયેલી કોર્પોરેટ, પ્રાઈવેટ અને ટ્રસ્ટની હોસ્પિટલો 24 કલાક માટે બંઘ પાળશે. આજે (17મી ઓગસ્ટ) સવારે 6 વાગ્યાથી 18મી ઓગષ્ટ સવારે 6 વાગ્યા સુધી, એટલે કે 24 કલાક માટે તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવશે.
કોલકાતાની ઘટનાના વિરોધમાં ગુજરાત સહિત દેશભરના તબીબો હડતાળ પર છે. ગુજરાત આયુર્વેદ એસોસિએશને પણ હડતાળને સમર્થન આપ્યું છે. ગુજરાતના 25 હજારથી પણ વધુ આયુર્વેદ ડૉક્ટરોએ બંધનું એલાન કર્યું છે. આ ઘટનામાં પીડિતાને ન્યાય મળે અને દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology