bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

વિકાસ સપ્તાહ: 23 વર્ષોમાં ગુજરાતે મજબૂત આરોગ્ય માળખું ઊભું કરીને ‘સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત’ના મંત્રને કર્યો આત્મસાત...

 

પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના હેઠળ કરોડો નાગરિકોને મળ્યું આરોગ્ય કવચ,  2.6 કરોડ લોકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા
*
23 વર્ષોમાં રાજ્યમાં મેડિકલ કોલેજોની સંખ્યા 10થી વધીને 40, મેડિકલ સીટ્સની સંખ્યા 1275થી વધીને 7050 થઈ
*
યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, રાજકોટ AIIMS જેવી સંસ્થાઓમાં મળે છે વિશ્વસ્તરીય આરોગ્ય સુવિધાઓનો લાભ
*

ગાંધીનગર, 11 ઓક્ટોબર: એક સ્વસ્થ અને તંદુરસ્ત સમાજ વિકસિત રાષ્ટ્રની રચના કરી શકે છે. નાગરિકોનું આરોગ્ય કોઇપણ રાજ્ય કે દેશના વિકાસનું મહત્વપૂર્ણ માપદંડ છે. આજે ગુજરાતે ઉદ્યોગથી માંડીને આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. આનો શ્રેય આપણાં સ્વપ્નદ્રષ્ટા એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જાય છે, જેમણે 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લઈને રાજ્યમાં વિકાસનો પાયો નાખ્યો હતો. તાજેતરમાં આ વિકાસયાત્રાના 23 વર્ષ પૂર્ણ થતાં આ સિદ્ધિઓની 7થી 15 ઓક્ટોબર દરમિયાન સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રીની શાસનધુરા સંભાળ્યા બાદ શ્રી નરેન્દ્ર મોદીએ જનજનના આરોગ્ય અને સુખાકારી સુનિશ્ચિત કરતાં વિવિધ યોજનાઓ અને પહેલો લૉન્ચ કરી હતી. બે દાયકા પહેલાં દર્દીઓ આધુનિક સારવાર કે મોંઘી શસ્ત્રક્રિયાથી વંચિત રહેતા હતા, જ્યારે આજે ગુજરાતના કરોડો નાગરિકો આયુષ્માન કાર્ડ થકી નિ:શુલ્ક તબીબી સારવાર મેળવી રહ્યા છે.

ગુજરાતમાં તમામ નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે મજબૂત આરોગ્ય માળખું વિકસિત કરવામાં આવ્યું છે. ખાસ કરીને રાજ્યના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી ક્ષેત્રોના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં વસતા ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોની આરોગ્ય સુખાકારી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વડાપ્રધાનશ્રીએ સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના મંત્રને આત્મસાત્ કરતાં કરોડો નાગરિકોના સ્વાસ્થ્યમાં ગુણવત્તાસભર સુધારો લાવ્યો છે. તેમણે દર્શાવેલા પથ પર આગળ વધીને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ગુજરાતના આરોગ્ય ક્ષેત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે અનેક નવા નિર્ણયો, યોજનાઓ અને પહેલો હાથ ધરી રહી છે.

પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના હેઠળ કરોડો નાગરિકોને આરોગ્ય કવચ
આજે ગુજરાતમાં તમામ આરોગ્ય સુવિધાઓ છેવાડાના વિસ્તારો સુધી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આરોગ્ય મેળાની શરુઆત કરવામાં આવી છે જેમાં દેશના અનેક તાલુકાઓ અને ગ્રામ્ય સ્તરે સફળતાપૂર્વક આરોગ્ય મેળાઓ યોજીને નાગરિકોને આરોગ્ય વિષયક સુવિધાઓ અને સેવાઓ સરળતાથી પહોંચાડવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યારસુધીમાં 2.6 કરોડ નાગરિકોને PM-JAY MA કાર્ડ દ્વારા આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2023-24માં આયોજિત ગરીબ કલ્યાણ મેળા હેઠળ પણ આયુષ્માન કાર્ડનું વિતરણ કરીને 3.42 લાખ લાભાર્થીઓને ₹6852.80 કરોડની સહાય ચૂકવવામાં આવી હતી.

માતાઓ અને બાળકોના પોષણ માટે સ્વાસ્થ્ય યોજનાઓનો અમલ
તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યની હંમેશા દરકાર કરી હતી, અને તે સંદર્ભે અનેક યોજનાઓ અમલી બનાવી હતી. તેમના નેતૃત્વ હેઠળ સગર્ભા માતાઓનું ડિજિટલાઈઝ્ડ સ્વાસ્થ્ય રેકર્ડ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. રાજ્ય સરકારના 23 વર્ષોના અથાક પ્રયાસોથી હોસ્પિટલમાં પ્રસૂતિની ટકાવારી આજે 99.5 ટકા પર પહોંચી છે, જેના કારણે માતા-બાળ મૃત્યુ દરમાં ધરખમ ઘટાડો થયો છે. આ સાથે જ મહિલાઓની સગર્ભાવસ્થા અને બાળજન્મ પછીની ધાત્રી અવસ્થામાં માતા અને બાળ સ્વાસ્થ્ય માટે જરૂરી આરોગ્ય અને પોષણ આપતી યોજનાઓનો ગુજરાતમાં અસરકારક અમલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, કસ્તૂરબા પોષણ સહાય યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, પોષણસુધા યોજના દ્વારા પણ મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.

આરોગ્ય ક્ષેત્રે ગુજરાતને મળી વિશ્વસ્તરીય સુવિધાઓ
આજે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર, ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને એમ એન્ડ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી જેવી ગુજરાતની પ્રસિદ્ધ હોસ્પિટલોમાં આંતરરાષ્ટ્રીય સ્તરનો ઇલાજ થાય છે. તો રાજકોટમાં AIIMS જેવી અદ્યતન હોસ્પિટલ પણ કાર્યરત છે, જ્યાં નાગરિકોને 750 બેડ સાથે અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓનો લાભ મળ્યો છે.

108 એમ્બ્યુલન્સ સેવાઓનું અસરકારક અમલીકરણ
મુશ્કેલ સમયમાં રાજ્યના નાગરિકોને ઇમરજન્સી આરોગ્ય સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ થાય તે માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2007માં 108 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 14 જેટલી 108 એમ્બ્યુલન્સ સાથે આ ઇમરજન્સી સેવા શરૂ કરવામાં આવી હતી અને આજે આ આંકડો 902 એમ્બ્યુલન્સ સુધી પહોંચ્યો છે. આમાંથી 100 નવી એમ્બ્યુલન્સ તાજેતરમાં લૉન્ચ કરવામાં આવી હતી. અકસ્માત કે આપત્તિના સમયે ઇજાગ્રસ્ત-બિમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ક્ષેત્રે ગુજરાત દેશમાં અગ્રીમ સ્થાને છે.

નિઃશુલ્ક રસીકરણ અભિયાનથી કોરોના મહામારી સામે ભીડી બાથ
આખું વિશ્વ જ્યારે કોવિડ-19 મહામારીમાં સપડાયું હતું ત્યારે વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ ભારતના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે સ્વદેશી રસીની શોધ કરવામાં આવી હતી. આ સ્વદેશી રસી તબક્કાવાર દેશના તમામ નાગરિકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન હેઠળ દેશમાં શરૂ કરવામાં આવેલા નિ:શુલ્ક સામૂહિક રસીકરણ અભિયાનમાં ગુજરાતે સીમાચિહ્નરૂપ કામગીરી કરી હતી. આ ઉપરાંત, ગુજરાતમાં ‘હર ઘર દસ્તક’ કાર્યક્રમ દ્વારા ઘર આંગણે રસીકરણ તેમજ ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ તેમજ ‘મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ’ જેવા અભિયાનોનું સફળ અમલીકરણ કરવામાં આવ્યું છે.

આરોગ્ય ક્ષેત્રમાં ગુજરાતે હાંસલ કરેલી અન્ય સિદ્ધિઓ
•    ગુજરાત મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન શરૂ કરનારું દેશનું પહેલું રાજ્ય બન્યું. 
•    મોતિયાના દર્દીઓને વિનામૂલ્યે આંખના ટીપાં આપનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત ઝુંબેશનું ‘ગુજરાત મોડલ’ કેન્દ્ર સરકારે પણ અપનાવ્યું છે.
•    જામનગર ખાતે WHOનું વિશ્વનું સૌથી પહેલું ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર નિર્માણાધીન છે, જે સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાઓ માટે પ્રથમ અને એકમાત્ર ગ્લોબલ સેન્ટર હશે.
•    રાજ્યના નાગરિકોને ઘરઆંગણે જ તબીબી શિક્ષણ મળી રહે તે માટે મેડિકલ ક્ષેત્રની બેઠકો વધારવામાં આવી.
•    છેલ્લા 23 વર્ષોમાં રાજ્યમાં મેડિકલ કોલેજોની સંખ્યા 10 (2001-02) થી વધારીને 40 (2023-24) કરવામાં આવી, તેમજ MBBSની બેઠકો 1275 (2001-02)થી વધારીને 7050 (2023-24) કરવામાં આવી.