ગુજરાત સરકારે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં નવી સરકારી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો શરૂ કરવા માટે જોગવાઈ હતી. ત્યારબાદ અંતે શિક્ષણ વિભાગ દ્વારા વિધિવત રીતે મંજૂરી આપવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં ધોરણ 9થી 12ની નવી 162 સરકારી સ્કૂલો શરૂ કરવામા આવશે અને જેમાં 565 જગ્યાઓનું મહેકમ પણ મંજૂર કરવામા આવ્યુ છે.
શિક્ષણ વિભાગ દ્વારા શુક્રવારે (નવમી ઑગસ્ટ) રાજ્યમાં નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો શરૂ કરવા માટે મંજૂરી આપતો ઠરાવ કર્યો છે. જે મુજબ રાજ્યના બિન આદિજાતી વિસ્તારમાં 129 સરકારી માધ્યમિક અને 1 સરકારી ઉચ્ચતર માધ્યમિક સહિત 130 નવી સરકારી સ્કૂલો શરૂ થશે. જ્યારે આદિજાતી વિસ્તારમાં 31 સરકારી માધ્યમિક અને 1 સરકારી ઉચ્ચતર માધ્યમિક સહિત 31 સરકારી સ્કૂલો શરૂ થશે. આમ રાજ્યમાં 160 માધ્યમિકની અને બે ઉચ્ચતર માધ્યમિકની મળીને કુલ 162 નવી સરકારી સ્કૂલો શરૂ કરવામા આવશે.આ નવી સ્કૂલો શરૂ કરવાની મંજૂરી સાથે ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની પણ નવી જગ્યાઓ મંજૂર કરવામા આવી છે.
રાજ્ય સરકારે આ સ્કૂલો માટે કુલ 565 નવી જગ્યાઓનું મહેકમ મંજૂર કર્યું છે. જેમાં બિન આદિજાતિ વિસ્તારની સ્કૂલો માટે માધ્યમિકમાં શિક્ષણ સહાયકની 194 અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયકની બે તેમજ આદિજાતિ વિસ્તારમાં માધ્યમિકમાં શિક્ષણ સહાયકની 47 અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયકની બે સહિત 245 શિક્ષણ સહાયકની જગ્યા ભરાશે. જ્યારે વહિવટી સહાયકોની 160 તથા સાથી સહાયકોની 160 સહિત કુલ 565 જગ્યા ભરાશે. આ માટે સરકાર દ્વારા 3.19 કરોડ રૂપિયાના ખર્ચની જોગવાઈ કરવામા આવી છે.
સરકાર દ્વારા રાજ્યમાં જે નવી 162 સરકારી સ્કૂલો શરૂ થનાર છે. તેમાં અમદાવાદ ગ્રામ્યમાં ત્રણ માધ્યમિકની સ્કૂલો શરૂ થશે. જેમાં વિરમગામ તાલુકામાં ઝેઝરા ગામમાં, ધુંધુકાના રોજકા અને ધુંધકાના ગુંજાર ગામમાં આ સરકારી સ્કૂલો શરૂ થશે. બિન આદિજાતી વિસ્તારમાં સરકારી માધ્યમિક સ્કૂલોમાં સૌથી વધુ કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના ગામોમાં નવી સ્કૂલો શરૂ થશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology