ગુજરાતના આદિજાતિ વિસ્તારમાં રહેતા વનબંધુઓને તેમની જમીનનો હક અપાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સક્રિય રીતે કામગીરી કરી રહી છે. તેના માટે રાજ્ય સરકાર દ્વારા વન અધિકાર અધિનિયમ-2006 કાયદો બનાવવામાં આવ્યો છે, જેમાં વનવાસીઓના અધિકારો નિયમિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ અધિનિયમ અંતર્ગત રાજ્ય સરકારે વ્યક્તિગત તેમજ સામુદાયિક દાવાઓમાં કુલ 1,02,615 દાવાઓ મંજૂર કર્યા છે, જેમાં કુલ 5,69,332 હેક્ટર જમીન વનબંધુઓ માટે માન્ય કરવામાં આવી છે.
વર્ષ 2008માં અધિનિયમના નિયમોની અમલવારી કર્યા બાદ અત્યાર સુધી 1,82,869 વ્યક્તિગત દાવા કરવામાં આવ્યા હતા, જેમાંથી 97,824 દાવા મંજૂર કરવામાં આવ્યા છે અને લાભાર્થીઓને 67,246 હેક્ટર જમીન વિસ્તાર મંજૂર કરવામાં આવ્યો છે. તો 7187 સામુદાયિક દાવાઓમાંથી 4791 દાવા મંજૂર કરીને 5,02,086 હેક્ટર જમીન માન્ય કરવામાં આવી છે. આ અધિનિયમ અંતર્ગત કરવામાં આવેલી જોગવાઈ અનુસાર વ્યક્તિગત દાવામાં 4 હેક્ટર સુધી અને સામુદાયિક અધિકાર હેઠળ વન્ય પેદાશો એકત્રિત કરવા, માછલા કે જળાશયોની અન્ય પેદાશ લેવા માટે તેમજ ચરિયાણ વગેરે હેતુ માટે વન જમીન તથા માળખાકીય સુવિધાઓ માટે પ્રતિ સુવિધા 1 હેક્ટરની જમીનની ફાળવણી કરવામાં આવે છે.
વન અધિકાર અધિનિયમ અંતર્ગત ફાળવવામાં આવેલી જમીનનો વૈજ્ઞાનિક ઢબે વિકાસ થાય તેના માટે વર્ષ 2023માં મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને કૃષિ વૈવિધ્યકરણ, કૃષિ યાંત્રિકીકરણ, તેમજ અન્ય આજીવિકાના ઉપાયો જેવા કે પશુ સહાયનો લાભ, બકરા ઉછેર માટે સહાય વિગરેનો લાભ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત વર્ષ 2023-24માં ₹3982 લાખની ફાળવણી કરવામાં આવી છે અને અત્યાર સુધી 16,980 લાભાર્થીઓને તેનો લાભ આપવામાં આવ્યો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology