bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અંધશ્રદ્ધાના ડામ, અમદાવાદમાં 6 વર્ષના બાળકને ખુદ પિતા અને દાદીએ આપ્યા ડામ, દાદાએ નોંધાવી ફરિયાદ...

અંધશ્રદ્ધાએ હદ વટાવતો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદ જેવા મેગા સીટીમાં એક બાળકને અંધશ્રદ્ધાના ડામ આપતી ફરિયાદ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે, આ ફરિયાદ અનુસાર, 6 વર્ષના નાના બાળકને ખુદ પિતા અને તેના દાદીએ ડામ આપ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ફરિયાદ પીડિત બાળકના દાદાએ નોંધાવી છે.

અમદાવાદમાં 6 વર્ષના બાળકને ડામ દેવાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. ખરેખરમાં ઘટનાની વિગત એવી છે કે, અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં એક 6 વર્ષીય બાળકને ડામ દેવાની ફરિયાદ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ફરિયાદ બાળકનાં દાદાએ ખુદ પોતાના જ પુત્ર, તેની પત્ની અને સાસું-સસરા વિરૂદ્ધ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ, તેમના મોટા પુત્રની પહેલી પત્નીને નાના દીકરા સાથે પ્રેમસંબંધ હતો અને બાદમાં બન્નેએ લગ્ન કરી લીધા, આ કિસ્સા બાદ મોટા દીકરાએ પહેલી પત્નીને છૂટાછેડાં આપીને અન્ય યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા અને મોટો દીકરો અન્ય યુવતી સાથે લગ્ન કરીને ઘર જમાઈ બનીને ત્યાં રહેવા ગયો અને સાથે પહેલી પત્નીથી એક દીકરો હતો તેને પણ સાથે લઈ ગયો હતો.

જોકે, જ્યારે થોડા દિવસ પહેલા પહેલી પત્નીનાં બાળકને પુત્ર દાદાને ઘરે શાહીબાગમાં મૂકવા આવ્યો હતો. આ દરમિયાન દાદાને સમગ્ર વાતની જાણ થઇ કે, 6 વર્ષીય બાળકને ડામ દેવામાં આવ્યા છે. આ વાતથી ગુસ્સે ભરાયેલા દાદાએ ખુદ આ મામલે ફરિયાદ નોંધાવવાનુ નક્કી કર્યુ અને બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પોતાના મોટા દીકરા, તેની પત્ની અને સાસું-સસરા સામે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ આ મામલે ગુનો નોંધીને તપાસ કરી રહી છે.