ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રૂપાલાના નિવેદનના વિરોધના પગલે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપ્યું છું.
રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપતા જ ભાજપમાં મોટો ખડભડાટ જોવા મળી રહ્યો છે. આ સાથે જ, તેમના દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરવામાં આવી હતી. ગોંડલમાં ગઈ કાલે યોજવામાં આવેલી ક્ષત્રિય સમાજની બેઠકને કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપ પ્રેરિત ગણાવીને વિરોધ કર્યો હતો.
રાજ શેખાવતે વીડિયોના માધ્યમથી જણાવ્યું કે, મે ભાજપમાં પ્રાથમિક સદસ્યતા લીધી હતી. ત્યારે પણ મારો ધ્યેય સમાજ સેવા અને સનાતન ધર્મનો હિત હતો. આજે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી અંગે ટિકિટ માટે સંપૂર્ણ ભારતવર્ષમાં ક્ષત્રિય સમાજની ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે, તેને જોતા મારે ભાજપમાંથી રાજીનામું આપી દેવું જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે, ભાજપના કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની મહિલાઓને લઈને એક કાર્યક્રમમાં નિમ્નસ્તરનું નિવેદન કર્યું છે. તેના નિવેદનથી સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ રોષમાં છે, તેમ છતાં પણ ભાજપ દ્વારા કોઈ પગલુ ભરવામાં આવી રહ્યું નથી. આથી હું રાજ શેખાવત તાત્કાલિક ધોરણે ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી હું રાજીનામું આપી રહ્યો છું. આજ પછી હું ભાજપના કોઈ પણ પદ પર રહીશ નહીં. આજે જે પણ હું છું તે સમાજના કારણે છું, આથી સમાજનું હિત તે જ મારૂ હિત છે
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજની મહિલાઓની આગેવાનીમાં આજે બેઠક યોજાશે. ત્યારબાદ રેલી સ્વરૂપે ક્ષત્રિય સમાજના લોકો રૂપાલા વિરુદ્ધ કલેકટરને આવેદનપત્ર પણ આપશે. ક્ષત્રિય સમાજના આગવાનોનું કહેવું છે કે, આ આંદોલન હવે દરેક જિલ્લાએ પહોંચ્યું છે, એટલે એક દિવસોમાં આ મુદ્દો પતી જાય તેમ નથી. આ મામલે ફરી ક્ષત્રિય સમાજના સંગઠનના આગેવાનોની બેઠક યોજશે, ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. એક ખાનગી કાર્યક્રમમાં આપવામાં આવેલા નિવેદનથી સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology