જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદે મેઘતાંડવ જેવી પરિસ્થિતિ સર્જી છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. હાલ માણાવદર તાલુકાના પીપલાણા ગામનાં ડ્રોન દૃશ્યો સામે આવ્યાં છે જેમાં પીપલાણા ગામ બેટમાં ફેરવાયું છે. જેમાં ખેતરો, ઘરો અને ગલીઓમાં માત્ર પાણી જ પાણી નજરે પડે છે. તો આ તરફ પીપલાણા ગામમાં ગઈકાલે સાંજે 5 વાગ્યે એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. ગામમાં પાણી ઘૂસી જતા આજે સવારે કમર સુધીના પાણીમાં સ્મશાન યાત્રા કાઢવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે.
ઓઝત નદીના પાણી સાસણ-જૂનાગઢ રોડ પર ફરી વળ્યા હતા. ઓઝત નદીમાં પૂર આવતા આણંદપુર ગામ પાસે પાણી ભરાયા હતા. મેંદરડાના આણંદપુર ગામ નજીક કેડસમા પાણી ભરાયા હતા. ઓઝત નદીમાંથી પાણી આવતા ચેકડેમ છલકાયો હતો.
માળિયા હાટિનાના ભાખરવડ ડેમમાં પાણીની ભારે આવક થઇ હતી. બે દિવસથી માળિયા હાટિના પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ડેમમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા. ભાખરવડ ડેમ પાસેના ગામોને એલર્ટ કરાયા હતા. વડાળા, વીરડી, માળિયા હાટિના, આંબેચા ગામને એલર્ટ કરાયા હતા.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે હજુ પણ 50 રસ્તા બંધ છે. ઘેડ પંથકના 33 ગામો હજુ સંપર્ક વિહોણા છે. કલેક્ટરે કહ્યું કે રાશન, આરોગ્યની વ્યવસ્થા અગાઉથી કરાઈ હતી. હજુ ક્યાંય રેસ્ક્યૂ કરવાની ફરજ પડી નથી.જૂનાગઢ જિલ્લાના કલેક્ટરે કહ્યું કે જિલ્લામાં ક્યાંય પણ ખાના ખરાબી માનવ ઈજા કે પશુઓના મૃત્યુના હજુ સુધી કોઇ બનાવ બન્યા નથી. દર વર્ષે ભારે વરસાદના કારણે ઘેડમાં સમસ્યા સર્જાય છે.
જૂનાગઢ જિલ્લામાં જળતાંડવથી જનજીવન ખોરવાયું છે. કેશોદ તાલુકાના પંચાળા ગામ બેટમાં ફેરવાયું છે. ચારે તરફથી ઓઝત અને સાબરી નદીના પાણી ફરી વળ્યા હતા. પંચાળા અને બાલા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. નદીઓના પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology