ગુજરાતમાં મુલાસણા અને સુરતના ડુમસની જમીનમાં થયેલા કૌભાંડોની તપાસ આગળ વધી રહી નથી તેની પાછળનું મુખ્ય કારણ સરકારની શંકાસ્પદ તપાસ છે. વિપક્ષ કોંગ્રેસનો આક્ષેપ છે કે રાજ્યના તમામ જમીન કૌભાંડોમાં મુખ્યમંત્રી કાર્યાલય મોટા માથાંઓને છાવરી રહ્યું છે. અત્યાર સુધી આ બન્ને જમીન કૌભાંડોમાં કલેક્ટરો સામે પગલાં લેનારી સરકાર તેમના જ નેતાઓ છટકી જાય તેવી તપાસ કરી રહી છે.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આજે ગાંધીનગરમાં સરકારી જમીનમાં થયેલાં કૌભાંડોની વિગતો આપતાં જણાવ્યું હતું કે રાજ્યના મહેસૂલ વિભાગને ભ્રષ્ટાચાર આચરવામાં એવોર્ડ આપવો પડે તેટલા જમીન કૌભાંડો એક પછી એક બહાર આવી રહ્યાં છે. ખાસ કરીને સરકારી અને ગૌચરની જમીનના કૌભાંડોએ તો રાજ્યમાં હદ વટાવી દીધી છે. જે જમીનો ઉદ્યોગજૂથોને પધરાવી દેવામાં આવી છે તે જોતાં એવું કહી શકાય કે દૈનિક ધોરણે 14.22 લાખ ચોરસમીટર ગૌચરની મહામૂલી જમીનો ઉદ્યોગને લહાણી કરી દેવામાં આવી છે.
વિપક્ષના નેતાએ કહ્યું હતું કે ગાંધીનગર જિલ્લાના કલોલમાં મુલાસણાનું 20,000 કરોડનું સૌથી મોટું જમીન કૌભાંડ થયું છે, જેમાં પાંજરાપોળની 60 લાખ ચોરસમીટર જમીન તમામ નીતિ-નિયમોને નેવે મૂકીને વેપાર કરવામાં આવ્યો છે. આ જમીનમાં ચેરીટી કમિશનરની મંજૂરી નથી. જમીન ટોચ મર્યાદાના કાયદાનો તેમજ ગણોતિયાનો ભંગ થયો છે છતાં ખોટી રીતે એનએના હુકમો કરવામાં આવ્યા છે.
આ કૌભાંડમાં પૂર્વ કલેક્ટર સામે તપાસ કરીને જેલમાં મોકલ્યા છે તે સાબિત કરે છે કે આ જમીનમાં કૌભાંડ થયું છે પરંતુ આ કેસમાં રાજકીય નેતાઓ, મંત્રીઓ અને સચિવોની સંડોવણી હતી તેની તપાસ થતી નથી. આ કૌભાડના માસ્ટરમાઇન્ડ કોણ હતા તે સરકાર બહાર લાવતી નથી. એક પૂર્વ મુખ્યમંત્રીના સમયમાં થયેલું કૌભાંડ વર્તમાન મુખ્યમંત્રી બહાર લાવી શકતા નથી. આ કેસમાં જે તપાસ ટીમ રચવામાં આવેલી છે તેનો રિપોર્ટ આટલા વર્ષો પછી પણ જાહેર કરવામાં આવતો નથી. આજે ખુલ્લેઆમ બાંધકામો થઇ રહ્યાં છે.
જ્યારે સુરતના ડુમસમાં 2000 કરોડની સરકારી જમીન ગણોતિયાના નામે કરીને વેચી દેવામાં આવી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું હોમટાઉન છે છતાં આ કેસમાં માત્ર કલેક્ટરને સસ્પેન્ડ કરી સંતોષ માનવામાં આવ્યો છે. આ કેસમાં પણ મોટા માથાંઓને છાવરવામાં આવી રહ્યાં છે. આ નેતાઓની ઇચ્છા અને આશીર્વાદ વિના પાંદડું પણ હાલે નહીં છતાં આ કૌભાંડ કોની સૂચનાથી થયું, કોના લાભાર્થે થયું છે તેની તપાસ કરીને મોટા માથાંઓને ખુલ્લા પાડવા જોઇએ. સરકારમાં બેઠેલા લોકોના સીધા આશીર્વાદ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology