વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યમાં શિક્ષણના સ્તરની ઉત્તરોત્તર વૃદ્ધિ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અનેકવિધ નવી પહેલ શરૂ કરી હતી. આ પહેલને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના નેતૃત્વમાં ઉચ્ચ શિક્ષણ વધુ વેગવંતુ બન્યું છે. જેના પરિણામે રાજ્યના યુવાનો સ્વનિર્ભર બન્યા છે. સાથોસાથ વાલીઓ પોતાના બાળકોનું ભાવી ઘડવા રાજ્ય સરકારની શિક્ષણ પદ્ધતિ પર વધુને વધુ વિશ્વાસ મુકી રહ્યા છે.
‘શિક્ષિત ગુજરાત’ થકી ‘વિકસિત ગુજરાત’ અને ‘વિકસિત ગુજરાત’ થકી ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા મુખ્યમંત્રી નું મંત્રીમંડળ અનેક યોજનાઓ અમલી બનાવી આકાશ- પાતાળ એક કરી રહ્યુ છે. તેવી જ એક યોજના છે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY). આ યોજના અંતર્ગત રાજ્યના ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળી રહે તેવા શુભાશયથી રૂ. ૧૦ હજારથી રૂ. ૨.૨ લાખ સુધીની સહાય લાભાર્થીઓના બેંક ખાતામાં DBTના માધ્યમથી આપવામાં છે. આ યોજનામાં એગ્રીકલ્ચર, આયુર્વેદ, ઉચ્ચ શિક્ષણ, મેડિકલ શિક્ષણ, નર્સિંગ, ટેકનીકલ ડીગ્રી, ડીપ્લોમાં તેમજ વેટરનરી પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યો છે.
આ યોજના અંતર્ગત છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ એટલે કે ૨૦૨૧-૨૨ થી ૨૦૨૪-૨૫માં કુલ ૨,૩૯.૭૪૦ વિદ્યાર્થીઓને રૂ. ૧,૧૮૫ કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨માં ૬૨,૬૬૬ વિદ્યાર્થીઓને રૂ. ૨૪૪.૭૨ કરોડ, વર્ષ ૨૦૨૨-૨૩માં ૬૩,૫૬૯ વિદ્યાર્થીઓને રૂ. ૩૩૧.૯૪ કરોડ અને વર્ષ ૨૦૨૩-૨૪માં ૭૩,૨૩૯ વિદ્યાર્થીઓને રૂ. ૪૦૯.૮૧ કરોડની સહાય આપવામાં આવી છે. જ્યારે ચાલુ વર્ષમાં ૪૦,૨૬૬ વિદ્યાર્થીઓને રૂ. ૧૯૯.૨૮ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. ચાલુ વર્ષના બીજા તબક્કામાં વધુ વિદ્યાર્થીઓને સહાય ચૂકવવામાં આવશે.
MYSY યોજનાની સહાયથી મારું ડૉક્ટર બનવાનું સપનું સાકાર થઇ રહ્યું છે
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના રહેવાસી અને MYSY યોજનાના લાભાર્થી સૌરવ વસાવા જણાવે છે કે, રાજ્ય સરકારની MYSY યોજના થકી મારું ડૉક્ટર બનવાનું સપનું સાકાર થઇ રહ્યું છે. મારા પિતા ખેતી કામ સાથે જોડાયેલા છે અને માતા ગૃહિણી છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી MBBSની ફી ભરવી અમારા માટે મુશ્કેલ હતું પણ MYSY યોજનાની મદદથી આજે સી.યુ. શાહ મેડીકલ કોલેજમાં હું મારો અભ્યાસ કરી રહ્યો છું. જેના માટે હું રાજ્ય સરકારનો હંમેશા આભારી રહીશ.
આમ, રાજ્યનો કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે મંત્ર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવ, કન્યાકેળવણી, અને ગુણોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો તેમજ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોચાડવા કટિબદ્ધ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology