રાજ્યમાં કૂદકે ને ભૂસકે વધી રહેલા અકસ્માતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશભરમાં દરરોજ હજારો લોકો રોડ અકસ્માતનો ભોગ બને છે. ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટમાં ટ્રાફિકના નિયમનું પાલન થતું ન હોવાના મુદ્દે કડક વલણ દાખવ્યું હતું. રાજ્યમાં હેલ્મેટના નિયમોનું પાલન નહીં થવાના મુદ્દે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઈવે ઓથોરિટી અને પોલીસને આદેશ આપ્યો છે કે ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન ફરજિયાત પણે કરાવવામાં આવે અને પાછળ બેસનારને પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહેશે.
ટ્રાફિકના નિયમોના પાલનના મુદ્દાને ગંભીરતાથી લેતાં હાઇકોર્ટે ટકરો કરી હતી કે હજુ લોકો હેલ્મેટ પહેરતા નથી, દ્રિચક્રી વાહનો માટે હેલ્મેટ ફરજિયાત છે. હેલ્મેટ લઇને બેદરકારી રાખશો નહી, ફરજિયાત પાલન કરાવો. એટલું જ નહી પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ કર્યો હતો.
વધુમાં ટકોર કરતાં કહ્યું હતું કે 15 દિવસમાં એસજી હાઇવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવામાં આવે અને રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે. રોડનું પ્લાનિંગ અને ટ્રાફિક નિયમન બાબતે વૈજ્ઞાનિક અભિગમ વિના કામગીરી ના થવી જોઈએ. અધિકારીઓ મનસ્વી વર્તશે તો ચલાવી લેવામાં નહી આવે.
ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે પોલીસમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે. માત્ર ચલણ કાપવાથી કાયદાની યોગ્ય અમલવારી થઈ શકે નહીં. નાગરિકોને એમની જવાબદારીનું ભાન કરાવવું એ સરકારનું કામ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ટુ-વ્હીલર ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો કાયદો અમલમાં મૂક્યો હતો. પરંતુ વાહનચાલકો વિવિધ બહાના બનાવીને હેલ્મેટ પહેરવાનું ટાળતા હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે ત્યારે ઘર્ષણની સ્થિતિ સર્જાતી હોય છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology