bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ક્રિકેટર પૃથ્વી શોની મુશ્કેલીમાં વધારો, સપના ગિલ કેસમાં કોર્ટે આપ્યા તપાસના આદેશ...  

 

ક્રિકેટર પૃથ્વી શૉ પર લાગેલા છેડતીનાં આરોપનો મામલો ફરી વેગ પકડી શકે છે. હવે મુંબઈની એક કોર્ટે પોલીસને આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સપના ગિલે પૃથ્વી શૉ પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. જોકે, પોલીસને તપાસમાં પૃથ્વી શૉ વિરૂદ્ધ કંઈ મળ્યું ન હતું. પોલીસે સપના ગિલનો કેસ ન નોંધ્યો ત્યારે તે મેજિસ્ટ્રેટ કોર્ટ પહોંચી હતી.

આ મામલો વર્ષ 2023નો છે. સપના ગિલે આરોપ લગાવ્યો હતો કે પૃથ્વી શૉએ અંધેરીના એક પબમાં તેની સાથે છેડતી કરી હતી. જોકે, પૃથ્વી શૉએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. ફેબ્રુઆરી 2023 માં, પૃથ્વી શૉ પર હુમલો કરવા સંબંધિત વિવાદમાં સપના ગીલ   સહિત ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એવા અહેવાલો છે કે હોટલમાં સેલ્ફી લેવા અંગે વિવાદ થયો હતો. હાલ સપના ગીલ   જામીન પર બહાર છે

હવે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.સી. તાયડેએ પોલીસને 19 જૂન સુધીમાં તપાસ રિપોર્ટ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સપના ગિલની તે માંગને ફગાવી દીધી, જેમાં તેની એ ફરિયાદના આધારે ક્રિકેટર પૃથ્વી શૉ સહિત અન્ય લોકો સામે FIR ન નોંધવા બદલ પોલીસ સામે કાર્યવાહી કરવા માંગતી હતી. બુધવારે મેજિસ્ટ્રેટ તાયડે તપાસના આદેશ આપ્યા છે.

જામીન મળ્યા બાદ સપના ગિલે અંધેરીના એરપોર્ટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. સપના ગીલ   અહીં પૃથ્વી શૉ, તેના મિત્ર આશિષ યાદવ અને અન્ય લોકો સામે કથિત છેડતીની ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. જ્યારે પોલીસે ક્રિકેટર વિરુદ્ધ કેસ ન નોંધ્યો ત્યારે તેણે મેજિસ્ટ્રેટ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

પોલીસ અગાઉ કોર્ટને જણાવી ચુકી છે કે પબના સીસીટીવી ફૂટેજની તપાસમાં જાણવા મળ્યું છે કે સપના ગીલ   અને તેના મિત્ર શોભિત ઠાકુર નશામાં હતા અને ડાન્સ કરી રહ્યા હતા. ઠાકુર ફોન પર શૉનું રેકોર્ડિંગ કરવા માંગતા હતા, પરંતુ ક્રિકેટરે તેને વીડિયો બનાવવાથી રોકી દીધો. પોલીસનું કહેવું હતું કે ફૂટેજ જોતા એવું નથી લાગતું કે પૃથ્વી શૉ અને અન્ય લોકોએ સપના ગિલની છેડતી કરી હતી.

પોલીસે કહ્યું હતું કે પબમાં હાજર સાક્ષીઓના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે કોઈએ પણ સપના ગિલને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો ન હતો. પોલીસે એર ટ્રાફિક કંટ્રોલ એટલે કે ATC ટાવરના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા, જેમાં એવું જોવા મળ્યું હતું કે સપના ગીલ   હાથમાં બેઝબોલ બેટ લઈને પૃથ્વી શૉની કારનો પીછો કરી રહી હતી. 

કોર્ટને કહેવામાં આવ્યું હતું કે તેઓએ શૉની કારની વિન્ડસ્ક્રીન તોડી નાખી હતી. પોલીસ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે CISF અધિકારીએ નિવેદન આપ્યું હતું કે સપના ગીલ  જે દાવો કરી રહી છે એવું કંઈ થયું ન હતું. CISF અધિકારીના જણાવ્યા અનુસાર, તેમને ઝઘડાની માહિતી મળી હતી અને ઘટનાસ્થળે પહોંચ્યા પછી તેમણે જોયું કે કારની વિન્ડશિલ્ડ તૂટેલી છે.