આવતીકાલે ભારત આઝાદીનો પર્વ મનાવવા જઈ રહ્યો છે. 15મી ઓગસ્ટના આ મહાપર્વના રંગમાં ભંગ પાડવાનો વધુ એક કારસો આતંકીઓ રચી રહ્યાં હોવાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, ગુપ્તચર એજન્સીઓને ઈનપુટ મળ્યા છે કે, જમ્મુમાં એક્ટિવ આતંકવાદીઓ દિલ્હી અથવા તેની આસપાસના વિસ્તારોમાં આત્મઘાતી હુમલા કરવાની યોજના બનાવી રહ્યા છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
દિલ્હી ઉપરાંત પંજાબમાં પણ સુરક્ષા દળોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ગુપ્તચર એજન્સીઓએ આતંકવાદીઓ વચ્ચેની વાતચીતના આધારે આ ઇનપુટ આપ્યા છે. ટોપ એજન્સીઓનું કહેવું છે કે એવું જરૂરી નથી કે, આ હુમલો સ્વતંત્રતા દિવસના અવસર પર જ થાય કારણકે તે દિવસે દરેક જગ્યાએ ભારે સુરક્ષા જવાનો તૈનાત હોય છે, પરંતુ આતંકવાદીઓ એક-બે દિવસ પછી પણ પોતાના મનસૂબા સાકાર કરી શકે છે.
રિપોર્ટ અનુસાર જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં જોવા મળેલા બે શંકાસ્પદ લોકો દિલ્હી તરફ આગળ વધે તેવી શક્યતા છે. આ લોકો પાસે હથિયાર પણ છે. આશંકા છે કે આ લોકો પઠાણકોટ તરફ ગયા છે અને ત્યાંથી તેઓ દિલ્હી તરફ પણ આગળ વધી શકે છે. એટલું જ નહીં સુરક્ષા દળો અને એજન્સીઓને આશંકા છે કે આ આતંકવાદીઓ અમરનાથ યાત્રાને પણ ટાર્ગેટ કરી શકે છે. આ સિવાય દિલ્હીની મહત્વની પ્રતિષ્ઠિત સંસ્થાઓને પણ નિશાન બનાવી શકાય છે.
સિક્યોરિટી એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે આતંકીઓ ભારે ભીડવાળા વિસ્તારોમાં ઘૂસીને આતંક મચાવી શકે છે. હકીકત એ પણ છે કે તાજેતરમાં જમ્મુ ડિવિઝનમાં આતંકવાદીઓની ગતિવિધિઓ વધી છે. કઠુઆ, ડોડા, ઉધમપુર અને રાજૌરી જેવા જિલ્લાઓમાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે. હવે આશંકા છે કે આ આતંકવાદીઓ પંજાબ અને દિલ્હી પણ તરફ આગળ વધી શકે છે.
દિલ્હીમાં હુમલો કરીને આતંકવાદીઓ ભારતની છબી ખરડવા માંગે છે અને ભારત સરકાર અને દુનિયાને સંદેશો આપવા માંગે છે કે રાજધાની હજુ પણ તેમની પહોંચથી દૂર નથી પરંતુ ભારતના સુરક્ષા દળો તેમનાથી અનેક ગણા ચુસ્ત અને કપરી પરિસ્થિતિ માટે તૈયાર છે. લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો છેલ્લા કેટલાય સમયથી દિલ્હી પર હુમલાની યોજના બનાવી રહ્યાં છે. લાલ કિલ્લાથી લઈને તમામ મોટા બજારો અને બિલ્ડિંગો સિક્યોરિટી નેટની અંદર ઘેરાયેલી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology