આમ આદમી પાર્ટી વધુ એક મુશ્કેલીમાં ફસાઈ છે. દિલ્હીના મંત્રી અને આપ નેતા રાજ કુમાર આનંદે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રાજ કુમાર આનંદનું આ રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
રાજકુમાર આનંદે રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, 'આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારના કિચડમાં ફસાયેલી છે. હું ભ્રષ્ટ લોકોની સાથે કામ ન કરી શકું. આજે હું જે કંઈ પણ છું તે ડૉ. આંબેડકરના કારણે છું. હું ધારાસભ્ય અને મંત્રી બન્યો તે સોસાયટીને પે બેક કરવા માટે બન્યો. જે દલિતોની ચિંતા કરવા પાછળ હટ્યો હું ત્યાં ન રહી શકું.'
રાજકુમાર આનંદે રાજીનામાંનું એલાન કરવાના એક કલાક પહેલા જ રાજ્યસભા સભ્ય સંજય સિંહનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ X પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં સંજય સિંહ તિહાર જેલ તંત્ર પર કેન્દ્ર સરકારના પ્રેશરમાં કામ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. આ સિવાય તેમણે પોતાના પ્રોફાઈલ પર પણ હજુ સુધી અરવિંદ કેજરીવાલનો ફોટો લગાવી રાખ્યો છે.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં જ્યારે ઈડીએ સીએમ કેજરીવાલને દારૂ કૌભાંડમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા, ત્યારે આ પહેલા ઈડીએ મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા હતા. EDની ટીમે સિવિલ લાઇન્સમાં મંત્રીના સત્તાવાર નિવાસસ્થાન સહિત 9 સ્થળોએ તપાસ કરી હતી. રાજકુમાર આનંદના બિઝનેસને લગતા કેસમાં EDની ટીમે દરોડા પાડ્યા હોવાનું બહાર આવ્યું છે. રાજકુમાર આનંદ પણ હવાલા વ્યવહારમાં સામેલ હોવાની શંકા હતી. આ દરોડાને કસ્ટમના મામલામાં પણ જોડવામાં આવી રહ્યો છે.
કોણ છે રાજકુમાર આનંદ?
રાજકુમાર આનંદ વર્ષ 2020માં પહેલીવાર પટેલ નગર બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. આ પહેલા તેમની પત્ની વીણા આનંદ પણ આ જ વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના સ્થાને રાજકુમાર આનંદને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે બૌદ્ધ સંમેલનના એક કાર્યક્રમમાં હિંદુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જ્યાં રાજેન્દ્ર પાલ ગૌતમ પણ હાજર હતા, જે બાદ ઘણો હોબાળો થયો હતો અને રાજેન્દ્ર ગૌતમને કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology