કેન્દ્ર સરકાર 23 જુલાઈએ સામાન્ય બજેટ રજૂ કરવાની છે, ત્યારે નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુએ બજેટ પહેલાં જ સરકારનું નાક દબાવીને 4.80 લાખ કરોડ રૂપિયાની માગ સાથેનું લિસ્ટ પકડાવી દીધું હોવાનું કહેવાય છે.
મોદી સરકાર નીતિશની જેડીયુના 12 અને ચંદ્રાબાબુની ટીડીપીના 16 સભ્યોના ટેકા પર ટકેલી છે તેનો લાભ ઉઠાવીને બંને મોદી સરકાર પાસે ધાર્યું કરાવવાની ફિરાકમાં છે. ચંદ્રાબાબુ અને નીતિશ બંને પોતપોતાનાં રાજ્યો માટે વિશેષ આર્થિક પેકેજની માગણી કરી રહ્યા છે.
કેન્દ્ર સરકાર પાસે લોંગ ટર્મ લોનની માગ
ચંદ્રાબાબુ અને નીતિશ કુમાર બંનેએ પોતપોતાની માગનાં અલગ અલગ લિસ્ટ નાણાં મંત્રી નિર્મલા સીતારામને આપ્યાં છે. રસપ્રદ વાત એ છે કે, બંનેએ કેન્દ્ર સરકાર પાસેથી 1-1 લાખ કરોડ રૂપિયાની લોંગ ટર્મ લોનની માગણી કરી છે. તેનો મતલબ એ થયો કે, બંનેએ સાંઠગાંઠ કરીને એકસરખી રકમની માગ મૂકી છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ માટે મોટા પેકેજની માંગ!
અત્યારે કેન્દ્રસરકાર તરફથી રાજ્યોને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કોઈ પણ શરત વિના લોંગ ટર્મ માટે 50-50 હજાર કરોડ રૂપિયાની લોન અપાય છે. ચંદ્રાબાબુ અને નીતિશ કુમારે આ લોનની રકમ વધારીને બમણી કરીને 1-1 લાખ કરોડ આપવાની માગ કરી હોવાનું કહેવાય છે.
વડાપ્રધાન અને નાણામંત્રી સાથે કરી મુલાકાત
ચંદ્રાબાબુ ગયા અઠવાડિયે વડાપ્રધાન અને નાણામંત્રીને મળ્યા ત્યારે આંધ્ર પ્રદેશ માટે બજેટમાં શું શું હોવું જોઈએ તેનું લિસ્ટ આપ્યું હતું. ચંદ્રાબાબુએ આંધ્રની નવી રાજધાની અમરાવતીના વિકાસ તથા પોલાવરમ સિચાઈ પ્રોજેક્ટ માટે જંગી રકમની માગણી કરી છે. આ સિવાય રાજ્યના પછાત મનાતા રામાયપટનમ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું પોર્ટ તથા કડપ્પા જિલ્લામાં કેન્દ્ર સરકારના આયર્ન પ્રોજેક્ટની માગણી કરી છે.
શું છે નાયડુ અને નીતિશની માંગ?
વિશાખાપટ્ટનમ, વિજયવાડા તથા અમરાવતીમાં મેટ્રો રેલ્વેને મંજૂરી આપીને કેન્દ્ર તેનો ખર્ચ ઉઠાવે એવી માગણી પણ ચંદ્રાબાબુએ કરી છે. નીતિશ કુમારે બિહારમાં નવ નવાં એરપોર્ટ, બે ઈલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ, બે રીવર વોટર પ્રોજેક્ટ અને 7 મેડિકલ કોલેજને મંજૂરી આપીને તેના માટે કેન્દ્ર દ્વારા ભંડોળ ફાળવવામાં આવે એવી માગણી મૂકાઈ છે.
22મી જુલાઈથી બજેટ સત્રની શરૂઆત
આ વર્ષે 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટ દરમિયાન સરકારે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ માટે રાજ્યોને વિશેષ સહાય યોજના હેઠળ લગભગ 1.3 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આમાંથી અડધી રકમ કેટલાક આર્થિક સુધારા લાગુ કરવાની શરતે ફાળવવામાં આવી હતી. કેન્દ્રમાં નવી એનડીએ સરકાર 23મી જુલાઈએ કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહી છે અને સંસદનું બજેટ સત્ર 22મી જુલાઈથી શરૂ થશે જે 12મી ઓગસ્ટ સુધી ચાલશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology