ઉત્તરપ્રદેશમાં ભાજપ અને સંઘના નેતાઓ વચ્ચેની સમન્વય બેઠક છેલ્લી ઘડીએ રદ કરાતાં ભાજપ અને સંઘ વચ્ચેના મતભેદો તીવ્ર બન્યા હોવાનાં એંધાણ છે. સૂત્રોનું કહેવું છે કે, નરેન્દ્ર મોદીએ સંઘને ભાજપની આંતરિક બાબતોથી દૂર રહેવાનું કહી દેતાં સંઘના સહસરકાર્યવાહ અરૂણ કુમાર સાથેની ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ભાજપના દિગ્ગજ નેતાઓની બેઠક સ્થગિત રખાઈ છે. સંઘની મધ્યસ્થીથી ભાજપ (BJP)નો ઝગડો શાંત પડે તેના કારણે ભાજપ સંઘના ઈશારે ચાલે છે અને ભાજપના નેતા સંઘની કઠપૂતળી છે એવી છાપ ના પડે એટલે મોદીએ સંઘને દૂર રહેવા કહી દીધું હોવાનું કહેવાય છે.
ભાજપની આંતરિક ખેંચતાણ બહુ વધી જતાં સંઘે દખલગીર કરવી પડી
સૂત્રોના મતે, સંઘ અત્યારે નરેન્દ્ર મોદી (Narendra Modi) અને તેમની નજીકના નેતાઓના બદલે યોગી આદિત્યનાથ (Yogi Adityanath)ની તરફેણમાં ઢળેલો હોવાથી આ બેઠકના કારણે યોગી વધારે મજબૂત બનશે એવો ડર લાગતાં બેઠક જ રદ કરી દેવાઈ છે. યુપીમાં ભાજપની આંતરિક ખેંચતાણ બહુ વધી જતાં સંઘે દખલગીર કરવી પડી છે એવો મેસેજ ના જાય એ પણ એક કારણ છે. આ બેઠક હવે ફરી ક્યારે મળશે એ સ્પષ્ટ નથી. લખનઉ (Lucknow)માં 20 અને 21 જુલાઈ એટલે કે શનિવારે અને રવિવારે એમ બે દિવસ માટે મળનારી બેઠકમાં યુપીના સંઘના ટોચના નેતાઓ ઉપરાંત ભાજપ તરફથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નાયબ મુખ્યમંત્રીઓ કેશવ પ્રસાદ મૌર્ય (Keshav Prasad Maurya) અને બ્રિજેશ પાઠક (Brajesh Pathak), યુપી ભાજપ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરી અને સંગઠન મહામંત્રી ધર્મપાલ હાજર રહેવાના હતા.
યોગી આદિત્યનાથે આ બેઠકને કારણે શનિવાર અને રવિવાર એમ બે દિવસના તેમના તમામ સરકારી કાર્યક્રમો પણ રદ કરી દીધી હતા. ભાજપ અને સંઘ વચ્ચે સંકલનની જવાબદારી સંભાળતા અરૂણ કુમાર (Arun Kumar) શુક્રવારે સાંજે લખનઉ પહોંચવાના હતા પણ અરૂણ કુમાર લખનઉ પહોંચ્યા નહોતા. તેના બદલે જાહેરાત કરાઈ કે આ બેઠક સ્થગિત રખાઈ છે. આ બેઠકમાં ભાજપ અને સંઘના નેતા લોકસભાની ચૂંટણીમાં ભાજપને યુપીમાં મળેલી કારમી પછડાટનાં કારણોની ચર્ચા કરવાના હતા. આ ઉપરાંત ભવિષ્યમાં ભાજપ અને સંઘ વચ્ચે કઈ રીતે વધારે સારી રીતે સંકલન થઈ શકે તેની વ્યૂહરચના પણ ઘડાવાની હતી. યુપીમાં વિધાનસભાની 10 બેઠકોની પેટાચૂંટણી ટૂંક સમયમાં યોજાવાની છે. પેટાચૂંટણીમાં સંઘ ભાજપને પૂરી તાકાતથી મદદ કરે એ માટે સ્વયંસેવકોની ફરિયાદોનો મુદ્દો પણ એજન્ડામાં હોવાનું કહેવાતું હતું.
સંઘના સહ સરકાર્યવાહ અરૂણ કુમારની ભાજપના નેતાઓની બેઠક રદ કરાવીને મોદીએ ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા (J. P. Nadda)ના વલણને સમર્થન આપી દીધું છે અને નડ્ડાના નિવેદન પાછળ કોણ હતું એ પણ સ્પષ્ટ કરી દીધું છે. લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન નડ્ડાએ કહેલું કે, ભાજપને હવે સંઘની મદદની જરૂર નથી. ભાજપ એટલો મોટો થઈ ગયો છે કે પોતાની બાબતોને જાતે જ હેન્ડલ કરી શકે છે. વાજપેયીજીના સમયમાં ભાજ૫ નબળો હતો તેથી સંઘની મદદની જરૂર પડી હશે પણ હવે અમે પોતે સક્ષમ છીએ. નડ્ડાના નિવેદનથી નારાજ સંઘના સ્વયંસેવકો ચૂંટણી પ્રચારમાં ભાજપને મદદ કરવાથી દૂર રહ્યાનું મનાય છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology