વિનેશ ફોગાટના ઓલિમ્પિકમાંથી બહાર થવાના મુદ્દે આજે રાજ્યસભામાં ભારે હોબાળો થયો. વિપક્ષ નેતા ખડગેએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ રાજ્યસભાના અધ્યક્ષે મંજૂરી ન આપી. જ્યારે TMCના સાંસદ ડેરેક ઓ બ્રાયને પોતાનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે અધ્યક્ષે ચેતવણી આપી હતી. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે ડેરેક ઓબ્રાયનને ચેતવણી આપી હતી કે જો તે આ જ કૃત્યનું પુનરાવર્તન કરશે તો તેમને રાજ્યસભામાંથી બહાર તગેડી મૂકાશે. ત્યારબાદ વિપક્ષમાં સામેલ કોંગ્રેસ-ટીએમસી અને અન્યો પક્ષોના સાંસદોએ ગૃહમાંથી વૉકઆઉટ કર્યું હતું.
વિપક્ષના વૉકઆઉટથી નારાજ થયા સભાપતિ ધનખડ
જ્યારે વિપક્ષને વૉકઆઉટ કરતાં જોયો તો સભાપતિ ધનખડ ભારે નારાજ થયા. તેમણે કહ્યું કે માનનીય સાંસદ સભ્યો આ પવિત્ર ગૃહને અરાજકતાનું કેન્દ્ર બનાવવું, ભારતીય પ્રજાતંત્ર પર હુમલો કરવો, અધ્યક્ષની ગરિમા બગાડવી, શારીરિક રીતે પડકારજનક માહોલ પેદા કરવો તે અમર્યાદિત આચરણ નથી પણ તે દરેક મર્યાદાને વટાવતું આચરણ છે.
ધનખડે વ્યથા ઠાલવી
વિપક્ષથી નારાજ ધનખડે કહ્યું કે હાલના સમયે ગૃહ દેશની સત્તાધારી પાર્ટીના અધ્યક્ષને અહીં જોઈ રહ્યું છે. તાજેતરના દિવસોમાં મને શબ્દો, પત્રો, અખબારના માધ્યમથી જે રીતે પડકારવામાં આવી રહ્યો છે તે મને પણ દેખાય છે. મેં જોયું છે કે કેટલી ખોટી ટિપ્પણીઓ કરવામાં આવી. આ સીધી રીતે મને પડકારવામાં આવી રહ્યો નથી પણ તમે સભાપતિના પદને પડકારી રહ્યા છો. આ પડકાર એટલા માટે ફેંકવામાં આવી રહ્યો છે કેમ કે આ લોકો (વિપક્ષ) વિચારે છે કે રાજ્યસભાના પદ પર બિરાજિત આ વ્યક્તિ તેના પર બેસવા લાયક જ નથી.
ખુરશી છોડતાં પહેલાં શું બોલ્યાં ધનખડ?
રાજ્યસભાના સભાપતિ ધનખડે સાંસદો તરફ ઈશારો કરતાં કહ્યું કે ગૃહની ગરિમા ન ઘટાડશો. અમર્યાદિત આચરણ ન અપનાવશો. જયરામ રમેશને આડેહાથ લેતાં ધનખડે કહ્યું કે તમારી ટેવ મને ખબર છે, હસશો નહીં, અમુક સાંસદ ખોટી ખોટી ટિપ્પણીઓ કરે છે. મને આ ગૃહમાં જેટલું સમર્થન મળવું જોઈતું હતું તે મળ્યું નથી. હવે મારી પાસે એક જ વિકલ્પ છે. મેં આજે જે જોયું, સભ્યોએ જે પ્રકારનું વર્તન કર્યું, તેને જોતાં મને લાગે છે કે હું થોડા સમય માટે આ આસન સંભાળવા માટે સક્ષમ નથી. હાં એ યાદ રાખજો કે હું ભાગી રહ્યો નથી. બસ આટલું કહીને ધનખડ ત્યાંથી નીકળી ગયા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology