તમિલનાડુનમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં અહીં કામ કરતા 9 કામદારોના મોત થયા હતા, જ્યારે 6 અન્ય કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ફટાકડાની ફેક્ટરી મુથુસમીપુરમમાં આવેલી હતી, જેના માલિકનું નામ વિજય હોવાનું કહેવાય છે. વિસ્ફોટ બાદ સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બેનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટ ફેક્ટરીના કેમિકલ મિક્સિંગ રૂમમાં થયો હતો.
આ વિસ્ફોટમાં ફેક્ટરીની નજીક આવેલી ચાર ઈમારતોને પણ નુકસાન થયું છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે જે મકાનમાં ફટાકડાનું કારખાનું ચાલતું હતું તે ઘર જમીનદોસ્ત થઈ ગયું હતું. પોલીસે જણાવ્યું કે કાટમાળ નીચે દબાઈને વધુ કેટલાક લોકોના મોત થયા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. મળતી માહિતી મુજબ, અકસ્માતમાં માર્યા ગયેલા 9 લોકોમાં 5 મહિલાઓનો સમાવેશ થાય છે. ગંભીર રીતે ઘાયલ છ લોકોને શિવકાશીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તમિલનાડુમાં ફટાકડાનો મોટો ઉદ્યોગ છે. અહીં અનેક ગેરકાયદે ફેક્ટરીઓ પણ ચાલે છે, જેની પાસે સરકારી લાઇસન્સ નથી. આવી ફેક્ટરીઓમાં કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી અને કામદારો દરેક ક્ષણે પોતાનો જીવ જોખમમાં મુકીને કામ કરે છે. ગયા વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં વિરૂધુનગર જિલ્લામાં ફટાકડાની બે ફેક્ટરીમાં વિસ્ફોટ થયા હતા. રંગાપલયમ અને કિચિનિયાકાનાપટ્ટીમાં બે અલગ-અલગ ફટાકડાની ફેક્ટરીઓમાં થયેલા વિસ્ફોટોમાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology