bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ડ્રાઈવરને હાર્ટએટેક આવતાં શોભાયાત્રા પર કાર ફરી વળી, ડઝનેક કચડાયાં, 2નાં ઘટનાસ્થળે જ મોત...

 


રાજસ્થાનના નાગૌરના દેગાનામાં વિશ્વકર્મા જયંતિની શોભાયાત્રા દરમિયાન મોટો અકસ્માત થયો હતો. સરઘસમાં જઈ રહેલી બોલેરો કારના ચાલકને હાર્ટ એટેક આવ્યો હતો અને કાર બેકાબુ થઇ હતી. લોકો કંઈ સમજે તે પહેલા આ વાહને 8 લોકોને ટક્કર મારી હતી.  માહિતી અનુસાર 2 લોકો તો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા અને અન્ય ઘાયલોને અજમેર રિફર કરી દેવામાં આવ્યા છે.  તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.  બાકીના સાત લોકોની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે આમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર છે. બાકીના ચાર લોકોને નાની-મોટી ઈજા થઈ છે. હાલ તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર સરઘસ આગળ વધી રહ્યું હતું. આ વાહન પણ આ શોભાયાત્રામાં સામેલ હતું અને સરઘસની પાછળ ધીમી ગતિએ આગળ વધી રહ્યું હતું. એકાએક એવું લાગ્યું કે જાણે કારના એક્સીલેટર જોરથી દબાઈ ગયા હોય. આ પછી વાહન આગળ ચાલતા લોકોને કચડીને આગળ વધવા લાગ્યું.

સરઘસમાં સામેલ લોકોના જણાવ્યા અનુસાર, આ બેકાબૂ વાહને થોડી જ વારમાં 5 લોકોને કચડી નાખ્યા હતા. આ કાર સાથે અથડાયા બાદ અન્ય ત્રણ-ચાર લોકો ઘસડી જતા ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ તેને અજમેર રીફર કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે ચાલતા વાહનમાં ડ્રાઇવરને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો.

જેના કારણે તે કારમાં જ બેભાન થઇ ગયો અને આ અકસ્માત થયો. મળતી માહિતી મુજબ જાંગીડ સમાજના લોકો દ્વારા આ શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા સવારે 11:00 વાગ્યે શરૂ થઈ હતી અને શહેરના કારવા ગલી નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર કારના ડ્રાઈવરને પણ અજમેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની હાલત નાજુક છે.